કાવ્યાસ્વાદ/૩૩

૩૩

એવે દિવસે પોર્ચ્યુગીઝ કવિ ફર્નાન્ડો પેસાઓની કવિતા યાદ આવે છે : વૃક્ષો વચ્ચેથી દૂર ચાલી જતા રસ્તાને જોઉં તેમ મેં જોયું. કૃતક કવિઓ જેને રહસ્ય કહે છે તેવું કશુંક, કશુંક પરમ ગુહ્ય. મને તરત સમજાઈ ગયું કે પ્રકૃતિ જેવું કશું નથી. હા, પર્વતો છે, ખીણો છે, મેદાનો છે, વૃક્ષો છે, ફૂલ છે, તૃણાંકુર છે, ઝરણાં છે, ખડકો છે. પણ આ બધું પ્રકૃતિ નામના એક કોથળામાં ભરેલું નથી. લોકો તો કહી દે છે પ્રકૃતિ. એ બધાંને તર્કની કશીક કડીથી, પરમ્પરાગત ટેવથી તરત જોડી દઈએ છીએ, તરત એ બધું એક અખંડના અંગ રૂપે ગોઠવાઈ જાય છે. કદાચ આને જ પેલા કવિતાઈ કરનારા ગુહ્ય કહેતા હશે. પણ મારું રહસ્ય તો જુદું છે. આ બધી અદ્વિતીય ઘટનાઓને ‘સાચા’ અને ‘વાસ્તવિક’ સમ્બન્ધથી સાંકળવી એ આપણા રોગિષ્ઠ વિચારોનો જ ઉધમાત છે. એ દરેક પૃથક સ્વતન્ત્ર અને અદ્વિતીય છે; એ કોઈક બીજાના અંગરૂપ નથી. આ રહસ્ય બીજા પામી શક્યા નહીં તેનું મને અચરજ છે.