કાવ્યાસ્વાદ/૩૯


૩૯

હાઇનેએ એની પ્રિયતમા સાથેની એક વિશ્રમ્ભગોષ્ઠિનું આલેખન કરતાં કહ્યું છે : અમે તો એક હરફ સરખો બોલ્યાં નહિ! છતાં મારું હૃદય તો એ જે વિચારતી હતી તે બધું જ જાણી ગયું. એવી ક્ષણોમાં જો શબ્દ બોલીએ તો એ બિચારો સાવ નિર્લજ્જ અને નફફટ લાગે. નિઃશબ્દતા જ પ્રેમનું પવિત્ર અનાઘ્રાત પુષ્પ! અને જેને કહીએ છીએ મૌન એય કેટલું બધું કહી દેતું હોય છે! કશી યુક્તિપ્રયુક્તિ કે ચાલાકી વિના, ઉપમાઉત્પ્રેક્ષાના ઠઠેરા વિના, એ કેટલું બધું કહી દેતું હોય છે! ધૂર્તતાભરી શૈલીરમતનું આવરણ એને ન ખપે, કે વાક્છટામાં પ્રવીણ એવા મૃદુભાષીની ચાલાકીનીય એને જરૂર નહિ. આવી જ પળોમાં, એક કવિએ કહ્યું છે તેમ, હૃદયમાં એકાએક ગીત પ્રજ્વલિત થઈ ઊઠે છે, એની રાતી આભાને ભ્રમર પરથી લૂછી નાખવી પડે છે. આશા ચકનાચૂર થઈ જાય છે અને ખંડેરના ભગ્ન મિનારા પરથી એ નીચે ઝંપલાવે છે. મારું ભાવિ તો દૂરના તારા તરફ મીટ માંડીને બેઠું છે. પણ સ્મૃતિનું ધૂંધળું આવરણ એક્કેય પ્રકાશના કિરણને પસાર થવા દેતું નથી. આ ધુમ્મસમાં જે કોઈ બલિ બન્યા છે તે ચક્રાકારે ઘૂમ્યા કરે છે. એકાએક વાદળમાંથી વીજળી ત્રાટકે છે. વેદનાનો ચિત્કાર પાછળ નાનો સરખો કમ્પ પણ મૂકી જતો નથી. આંસુએ પાડેલા ચાસમાં કોઈ બીજ અંકુરિત થઈ ઊઠતું નથી. ફરી જીવી જવાને માટે અણજાણપણે બનાવટી દસ્તાવેજ તૈયાર કરવાની વેતરણમાં આપણે પડી જઈએ છીએ : સૌથી ઊંચા વૃક્ષનાં મૂળ જ નીચે ઊંડે ઊતરીને જળને સ્પર્શે છે. પછી એનાં પાંદડાં એ સૈકા જૂની જળની ભાષા બોલતાં થઈ જાય છે. ફુવારાની છીછરી ઉચ્છૃંખલતા ઊંડાણને પરાજિત કરીને મલકાયા કરે છે. જીવનનો એકાએક વિરામ આવે તેનો તો ફિલસૂફ માટિર્ન હાઇડેગરને પણ ભય હતો. મેક્સિન કુમીને એની એક કવિતામાં નર્મમર્મથી હાઇડેગરને ઉદ્દેશીને કહ્યું છે : તમારી જેમ મનેય જીવન એકાએક વિરમી જાય તેનો ભય તો છે જ. જો કે હું જાણું છું કે મરણ સમયે મારી દીકરીઓ મને એમનામાં આત્મસાત્ કરી લેશે. એઓ મને હંમેશાં એમનામાં સંઘરી રાખીને ફરશે – કુંઠિત થઈ ગયેલા ગર્ભની જેમ. હુંય મારી માના પ્રેતને નાભિ નીચે રાખીને ફરું છું – એ ત્યાં પદ્માસને બેઠી છે. આ તો પેલી રશિયાની ઢીંગલી જેવું – એકનું પેટ ખોલો એટલે ખ્ીજી નીકળે. પછી છેલ્લી જે નીકળે તે તો વટાણા જેવી ટબૂકડી. આમ આપણે ભવિષ્યને આપણામાં સંગોપીને જીવીએ.