કાવ્યાસ્વાદ/૪

વર્નર એસ્પેનસ્ટોમ નામના સ્વીડીશ કવિએ કહ્યું છે : ‘તમે કોણ છો ને હું કોણ છું, આ બધું શું છે એવા પ્રશ્નો પૂછશો નહીં, પ્રોફેસરોને એ કામ કરવા દો. એને માટે જ એમને પગાર આપવામાં આવે છે. ઘરમાં જે રોજના ઉપયોગનાં ત્રાજવાં છે એનાથી જ વાસ્તવિકતાનું વજન કરી લો. તમારો ચિરપરિચિત ઝભ્ભો પહેરી લો, દીવો હોલવી નાખો, બારણું વાસી દો – મરેલાઓને જ મરેલાઓની ચિન્તા કરવા દો. આ આપણે બે ચાલ્યા ધોળા રબરના જોડા પહેરનાર તે તમે, ને કાળા રબરના જોડા પહેરનાર તે હું, અને આપણા બંનેના પર એક સરખો પડતો વરસાદ તે વરસાદ.’ ઝેહરાદ નામનો એક આર્મેનિયન કવિ કહે છે : ‘રસ્તાની બંને બાજુએ એ લોકોએ મકાન બાંધ્યાં ને રસ્તો શેરી બની ગયો. ઇમારતો તોતિંગ ને ભવ્ય એટલે શેરીને એનો પરિચય પૂછ્યો ત્યારે એટલે કહ્યું કે હું કાંઈ નાની શેરી નથી. હું તો રાજમાર્ગ છું પછી તો દરરોજ ત્યાં થઈને ઘણા મહત્ત્વના માણસો પસાર થાય, એ લોકો બગીમાં બેસીને જાય, મોટરમાં બેસીને જાય, શેરીના પર થઈને આ દમામનો પ્રવાહ વહે. એ જાણે શેરીના અંગ પરના મોટાં ઝળહળતાં રત્નો, કેમ જાણે બધા કશોક મોટો ઉત્સવ ઉજવતા નહીં હોય! શેરીને વૈભવ અને ઐશ્વર્ય શું તે હવે સમજાયું. આ બધું તો શેરીમાં આવ્યું ને ગયું, શેરીમાં એનાં ચિહ્ન રહ્યાં નહીં પણ શેરીને એક વાતનું કદી વિસ્મરણ થતું નથી એ વાત તે આ : એક દિવસે એ રસ્તે થઈને એક માણસ ઉઘાડે પગે ખંચકાતો ખંચકાતો અહીંથી પસાર થયો હતો. એ દિવસે માનવીની કાયાનો સ્પર્શ એને થયો.’