કાવ્યાસ્વાદ/૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search

હમણાં જ ડાન ગર્બર નામના કવિનું આત્મરેખાંકન નામનું કાવ્ય વાંચ્યું. એમાં સામાન્યતાનો ઉપહાસ છે, અને છતાં જાણીએ છીએ કે અસામાન્ય થવા ઇચ્છતો દરેક કેવો સામાન્ય બનીને જીવવાને ટેવાઈ જતો હોય છે. આ કવિ કહે છે, હવે તો લોકોએ મારા વિશે કશી આશા સેવવાનું છોડી દીધું છે. મને આશાસ્પદ કહેતા હતા, પણ એ આશા હવે ફળીભૂત થવાની નથી. હવે હું મારા ગામની બેન્કનો મેનેજર કે મારા પ્રાન્તનો મુખ્ય પ્રધાન થઈ શકવાનો નથી. અરે, લાકડાના વહેરના કારખાનાનો માલિક કે જુનિયર ચેમ્બર ઓફ કોમર્સ કે રોટરીનો સામાન્ય સભ્ય થવાનું પણ નસીબમાં નથી. અખાડાબાજ કે ફૂટબોલના ખેલાડી લેખે મારા ‘ક્લોઝ અપ’ છપાશે એવું લાગતું હતું, પણ હવે ‘ક્લોઝ અપ’ આપણને પરવડે એવું લાગતું નથી. ઉનાળામાં દરિયાકાંઠે રેતીમાં ભોંયરાં ખોદ્યાં ને જાપાનીઓ આવશે એની રાહ જોતો રહ્યો પણ એ તો કદી આવ્યા નહીં. રવિવારે ગરમ પાણીએ સ્નાન કરી, સ્વચ્છ સુઘડ અસ્ત્રીબંધ ગણવેશ પહેરું એવી ઇચ્છા થઈ. પણ પાટલૂન ઘણું ટૂંકું નીકળ્યું અને આપણાથી તો દરિયો કદી ખેડી શકાયો જ નહીં. લિંડેરી અને કોટેક્ષના બોક્સની આજુબાજુ મેં દિવાસ્વપ્નો રચ્યાં, નારીઓના અનેક આશયોની કલ્પના કરી કરીને રાચ્યો અને દાક્તર દર્દીની રમત રમ્યાં, અલબત્ત, એમાં દર્દી તો હંમેશાં હું જ બન્યો. નવેમ્બરમાં થયેલા માવઠાની રાતે એકાએક મેં જ્ઞાનની ઠોકર ખાધી, ને જે જ્ઞાનોદય થયો તેથી ગભરાઈ ઊઠ્યો, એ નારી હઠાગ્રહી નીકળી. મારી કારના વિન્ડસ્ક્રીન પર ધુમ્મસ બાઝ્યું પણ અહીં ક્યાં કશાની પડી હતી તે! સત્તરમે વર્ષે યુરોપની મહાયાત્રા કરી. જરા ચમકારો આવ્યો. પુરાણાં દેવળોમાં બેસીને ગંદી મજાકિયા વાતચીત કરતાં શીખ્યો. લંડનમાં એક વેશ્યાને તોરમાં કહી દીધું કે મારી પાસે ઇંગ્લેંડ અમેરિકા વચ્ચેનો સિઝન પાસ છે. પણ ત્યાર પછી એવું કહ્યા બદલ હમેશાં પશ્ચાત્તાપ કરતો રહ્યો. ચૌદ વર્ષની વયે વ્યોમિગના સૌથી ઊંચા પર્વતના શિખર પર જઈને ઊભો રહ્યો હતો. ભારે અદ્ભુત ઘટના! મારી મા તો ચિન્તાતુર થઈ ગઈ હતી. ગામમાં બધાં ગૌરવ અનુભવતા હતાં. પછી મારી એ બરફ ભાંગવાની કુહાડી અને જોડાનું એ લોકોએ લીલામ કર્યું અને ઇજનેર થવાની મહત્ત્વાકાંક્ષા જાગી, ભૂમિતિમાં મને પાસ કર્યો પણ જિંદગીમાં કદી સોલીડ જ્યોમેટ્રી કે ટિગોનોમેટ્રી ભણાવવી નહીં એવું વચન આપ્યું. આપબળથી ઊભા થયેલા આદમી તરીકે મારું નામ બોલાવા લાગ્યું. જ્યાં નજર કરું ત્યાં અસંખ્ય નવી તક અને કંટાળો! મારી જિંદગીને વ્યવસ્થિત બનાવવા માટે હું ઔપચારિક વિધિઓનો આશ્રય લઉં છું. અનુભવ તો મારી આંગળીઓ વચ્ચેથી ટપકે છે. મારી સાથેની આકૃતિઓ પર હું નજર ઠેરવી શકતો નથી. છત પર છાપરું નથી, દીવાલ નથી, સીમાસરહદ કશું નથી. મારું નામ કોઈ અજનબી ચોરી ગયો છે, મને કોઈ ઘોંઘાટિયા સંગીતથી ભોળવીને ભગાડી ગયું છે. મારી પ્રશિષ્ટ ગણાતી નવલકથા પણ ભાંગીતૂટી રેખાઓમાં અડબડિયાં ખાય છે. મને રહી રહીને આળસની મૂર્ચ્છા આવે છે. તો આ હતી મારી જીવનકથા, એમાંનો આટલો ભાગ યાદ હતો તે બતાવ્યો. જુઓ, આને ઓળખ્યો? એ હું છું – માથે હેટ પહેરી છે તે અહીં હું મારી ગ્લેડસ્ટોનબેગ સાથે ઊભો છું, મોઢા પર રબરની ઢીંગલીનું હાસ્ય છે.