કાવ્યાસ્વાદ/૬

ઘણા જીવનને સ્વપ્નની જેમ જીવી નાખે છે. એ રીતે જીવવાનું સુખ એ છે કે જીવનમાં દેખાતી અસંગતિઓની પછી આપણે ફરિયાદ નથી કરતા. સ્વપ્નનો તો અન્વય જ જુદો હોય છે ને! પણ સ્વપ્નોથીય આપણે છળી મરતા નથી? એથી તો ઝેકોસ્લોવાકિયાના પેલા કવિએ કહ્યું હતું. ‘દરેક રીતે હું ફરીથી મારી સ્મૃતિના એ નિર્જન સ્થાનની મુલાકાત લઉં છું. ત્યાં કદી કોઈએ વાસ કર્યો નથી, કારણ કે ત્યાં દોરી જનારો કોઈ રસ્તો જ નથી. ફરી ફરીને મારું સ્વપ્ન કોઈ ઘવાયેલા પંખીની જેમ ઊભું થવા મથે છે. જેણે એને ઇજા કરી છે તે શિકારી વનને છેડેથી સરી જાય છે. એના ચાલવાથી વૃક્ષો પરથી બરફની સળીઓ ખંખેરાઈને નીચે પડે છે ને પછી નીચેની ઝાડીમાં અદૃશ્ય થઈ જાય છે.’