કાવ્યાસ્વાદ/૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પોલેંડની એક ક્વયિત્રીએ તો પ્રાર્થના કરીને વિષાદ ગાયો છે. એ તો કહે છે કે મને સદાય વિષાદ જ આપો. આ પ્રાર્થના આપણામાંના ઘણા સન્તુષ્ટ, હૃષ્ટપુષ્ટ જીવોને બેહૂદી લાગશે. વાસ્તવમાં એવું નથી. આજે દુનિયામાં એવાં ઘણાં ‘કલ્યાણરાજ્ય’ છે જ્યાં લોકોને વ્યાજબી કારણસર પણ દુઃખી થવાનો અધિકાર નથી. એમ કરવાથી રાજ્યનો દ્રોહ કરવા જેવું થાય છે. આથી હવે તો બીજા અધિકારોની જેમ વિષાદ ભોગવવાનો અધિકાર પણ માગવો પડે છે. આ અધિકાર માગનારા બહુ ઓછા નીકળશે. માટે રાજ્યને ચિન્તા કરવાની જરૂર નહીં રહે. બીજા તો ઘરઆંગણે એકબીજાની હૂંફ માણતા બેસશે. એમના ઘરના દીવા એમનું મુખ અજવાળશે. પણ આપણામાંના જ થોડા એવા છે કે જેઓ હવે ક્યાં હશે તેની આપણને ખબર નથી. એમને માટે કોઈએ આંસુ સાર્યું નથી. કારણ કે ચારે બાજુ ચાલી રહેલા હર્ષનાદમાં એવું કોઈને યાદ આવ્યું નથી. તો એવા માટે એકાદ આંસુ સારવાનો, એ આંસુને સાચવી રાખવાનો અધિકાર આપણને હોવો જોઈએ. અનુકૂળ પવન, ધાન્ય સમૃદ્ધિ અર્પનારી વર્ષા આ બધાંને ફૂલોથી વધાવી લેનારા તો ઘણાં, ક્યાંક લગ્નયાત્રા, ક્યાક શોભાયાત્રા – એમાં લોકોનાં ટોળેટોળાં જાય. ધનધાન્યની સમૃદ્ધિનાં લેખાંજોખાં કરનારા ઘણાં એવે વખતે પેલા, આપણી વચ્ચેથી ચાલી ગયેલાને કોણ યાદ કરે? એવે વખતે એમને અલવિદા કહીને એક આંસુ પાડવાનો અધિકાર તો આપણો હોવો જ જોઈએ. ઘણા બત્રીસલક્ષણાઓ આમ જમાને જમાને અદૃશ્ય થતા રહે છે. એમાંના કેટલાક તો અર્ધવિકસિત – પણ એ બધા જ પ્રકાશના તરસ્યા. પણ સૂર્ય આથમે તે પહેલાં તો એમના જીવનનો પ્રકાશ આથમી ગયો! એન્ટિગોનીએ એના દટાયા વિનાના પડી રહેલા મૃત ભાઈઓને દાટ્યા નહોતા. એમાંનો એક ધુમાડો થઈ ગયો. બીજો પડછાયો કે પથ્થર બની ગયો. એની હાથની અંજલિઓ ઠાલી જ રહી. એનું અપૂર્ણ કાર્ય એના ભાવિ પર તોળાઈ રહ્યું. તો આજેય આપણા સમાજમાં ભાઈથી વિખૂટી પડેલી આવી બહેનો હશે. એને માટેય એકાદ આંસુ સારવાનો અધિકાર હોવો જોઈએ. નહીં સારી શકાયેલાં આંસુની સંપત્તિનાં હજુ તો ભાગ વહેંચવા બાકી છે! જેમને માટે વિલાપ કરવા દીધો નથી તેમને માટેના વણસારેલા અશ્રુપ્રપાતને ઝીલનારો પણ આપણામાં કોઈ પાકવો જોઈએ. માથે હાથ મૂકીને શાતા આપવાનો જાદુ કરનાર તો ઘણા. જેઓ આપણી સ્મૃતિને ભૂંસી નાખે છે, આપણાં આંસુને ઝૂંટવી લે છે તેઓ માનવતાના દ્રોહી છે. આપણે સુખી છીએ તેની જાહેરાત આપણે મરણિયા બનીને કરીએ છીએ. નગરમાં પ્રવેશતાં જ આપણને સુખની જાહેરાતનો ઘોંઘાટ ધેરી વળે છે. ગરીબીને આપણે સંતાડી દઈએ છીએ, મરણની પણ ઉજવણી કરવાનું આપણે શીખી ગયા છીએ. સુખમાં વિશિષ્ટતા નથી. સુખ પોતું ફેરવીને બધી વિશિષ્ટતાને ભૂંસી નાખે છે. દુઃખ દરેકનું આગવું હોય છે. દુઃખની સંવેદના જ આત્મસંજ્ઞા પ્રકટાવે છે એટલે જ તો ક્યિર્કેગાર્દે કહ્યું કે જેણે પોતાનું દુઃખ જ ઓળખ્યું નથી એના જેવો આ દુનિયામાં બીજો કોઈ દુઃખી નથી. જગતમાં બધાં જ કાવતરાં દુઃખીઓની સામે હોય છે, દુઃખ આપનારા દુઃખી લોકોને ‘અમે સુખી છીએ’ એમ બોલવાની ફરજ પાડે છે. એથી જ તો નકલી હાસ્ય અને નકલી પ્રકાશનું પ્રમાણ દુનિયામાં વધી ગયું છે. આપણી આબોહવા દરરોજ ખુશનુમા હોય છે, આપણો સૂર્ય ક્યાંય શ્યામ છાયા રહેવા દેતો નથી, આપણી નદીઓ હમેશાં આનન્દગાન ગાતી હોય છે. પવન અહીં હમેશાં સુખની જ સરગમ છેડે છે. ચન્દ્રમાં કલંક તો સતજુગમાં દેખાયું હશે, હવે તો ક્યાંય કાળું ધાબું નથી. સુકાઈને ખરતું પાંદડું પણ આનન્દનું ગીત ગાતું જાય છે. અહીં દુઃખને સ્થાન જ ક્યાં છે? આપણા કોઈ દેવની આંખમાં આંસુ જોયાં છે? માનવીએ દેવતુલ્ય બનવું હોય તો એણે આંસુ ખોઈ નાખવાની તૈયારી રાખવી જોઈએ. રોમાનિયાના કવિ પોલ સેલાને આ આનન્દને જ ઉજવવા નહોતું ગાયું? – હું સાંભળું છું કે કુહાડીને ફુલ બેઠાં છે. મેં સાંભળ્યું છે કે એ સ્થળનંુ નામ પાડી શકાય નહીં. પત્નીએ સેકેલો રોટલો હવે એવો તો જાદુઈ બની ગયો છે કે જો ફાંસીને માંચડે ચઢાવેલો એની સામે જુએ તો એય સાજો નરવો થઈ જાય. હું સાંભળું છું કે જીવનમાં જ આખરે આપણે શરણું શોધવાનું છે. આપણે સૌ કેવા બડભાગી કે આ જુગમાં જીવવાનું આપણે માટે શક્ય બન્યું! જો આપણે જીવતા ન હોત તો કુહાડીને ફૂલ ફૂટ્યાની વાત આપણી પછીના જમાનાને કોણે કહી હોત? જો આપણે ન હોત તો ઉંદરને પેટે ગરુડ જન્મ્યાના ચમત્કારની વાત કોણે કરી હોત? જો આપણે ન હોત તો સસલું કાચબો અને ગોકળગાયની દોડવાની શરતમાં ગોકળગાય જીતી ગઈ તેનો વિજય કોણે ગાયો હોત? આપણે છીએ ને ગાઈએ છીએ એ જ ઈશ્વરનુ પણ પરમ સૌભાગ્ય નથી? હવે ભોંયે પડીને પથ્થરને ચાટવાની જરૂર નથી, હવે દુઃખથી ચિત્કાર કરવાની જરૂર નથી. હવે આપણે કાંઈ પશુ થોડા જ છીએ કે એવો ચિત્કાર કરીને આખી માનવજાતિને શરમમાં નાખીએ? જો યન્ત્રો જોડે સમ્બન્ધ રાખતા શીખ્યા તો આ વાસ્તવિકતાને શું આપણે જેર નહીં કરી શકીએ? યન્ત્રો કેવા સુન્દર હોય છે! કવિઓ એનું સૌન્દર્ય કેમ વર્ણવતા નથી? કેવાં લીસાં, ચકચકતાં ને પ્રાણવાન! પુષ્પરેણુ કરતાં લોખંડના કાટની સુગન્ધ પણ કોઈ વાર માણવી જોઈએ.