કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૪. રાત્રિધ્વનિ

Revision as of 13:32, 6 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૪. રાત્રિધ્વનિ

ઉશનસ્

આ દેખીતી અરવ શાન્ત પ્રશાન્ત રાત્રિમાં
કેવું તૂફાન મૃદુલ ધ્વનિઓનું ચાલે!
હું કાન ભૂમિતલ પે અડકાડી સૂતો,
કોલાહલે ઊંઘી શકું નહિઃ ભૂમિ નીચે
ધાણી ફૂટે ત્યમ તડાતડ બીજ ફાટે
કાલે હશે તૃણ કૂણું લીલું જે પરોઢે!
ને સાંભળું સ્ખલત ભૂ-પડની નીચે ઝરા!

પાસું ફર્યોઃ શ્રવણ જ્યાં અડક્યો દિશાને,
એ ભીંતમાં ખળકતો ધ્વનિનો પ્રવાહ!
આંખો મીંચેલ, પણ સાંભળું હું ખગોળની
નૂપુરકિંકિણી ઝીણી રણકંત! કોઈ
તારો ખરે, ખલલ નોંધું હું આભ રિક્તે!

પડખું પુનઃ — શ્રવણ વક્ષપ્રદેશ કોકને!
કો વિશ્વવક્ષ ધડકંત ભરી ત્રિલોકને!

૩૦-૧૦-૬૧

(સમસ્ત કવિતા, પૃ. ૨૪૯-૨૫૦)