કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૮.વ્હાલા, તું હો


૪૮.વ્હાલા, તું હો

ચિનુ મોદી

વ્હાલા, તું હો વાણોતર ને હું દામોદર શેઠ,
પલંગ મધ્યે હું પોઢું ને તું કરતો હો વેઠ.
વ્હાલા૦
લાંબી લેખણ કાને ખોસી
હૂંડી લખવા માંડું,
બચરવાળ કરગરતો આવે,
આપ્યા પૈસા છાંડું.
વ્હાલા૦
લસરક સેલાં, ખખડે કંકણ,
ઝાંઝરના ઝમકાર,
કેડે ભરાવી ઝૂડો ચાલે –
મારા ઘરની નાર;
વ્હાલા૦
વ્હાલા, બાંધું સાત માળની
એક હવેલી મોટી,
સાત નિસરણી સાચી
એમાં એક મુકાવું ખોટી.
વ્હાલા૦
પંડિતને તેડાવી વાંચીશ
વ્હાલા, ચારે વેદ,
અકળ રહેલા હે અવિનાશી
પામીશ તારો ભેદ.
વ્હાલા૦
(‘કાળો અંગ્રેજ’)
(શ્વેત સમુદ્રો, પૃ.૫૩)