કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૫૦.યાદ આવે...


૫૦.યાદ આવે...

ચિનુ મોદી

યાદ આવે તું જ વારંવાર, હોં,
છે બધું મારી સમજની બ્હાર હોં.

એક પડછાયો લઈ સંબંધનો,
હું તવંગર થાઉં બારોબાર, હોં.

ક્યાંક ઝાકળને પવન અડકી જશે,
તું ખરેખર ખૂબ બેદરકાર, હોં.

તું જુએ છે ને બનું છું બાગ બાગ,
શુષ્ક પુષ્પો થાય ખુશબોદાર, હોં.

જીવવાનો આ તરીકો છોડી દે,
સૌ નિયમ છે લાગણી લાચાર, હોં.

વય વધે છે એમ વધતી જાય છે,
તન અને મનની જૂની તકરાર, હોં.

શું કર્યું ? જલસા કર્યા; ગઝલો લખી;
આપણો આ આખરી અવતાર, હોં.

૨૨-૫-૨૦૦૭
(ખારાં ઝરણ, ૨૦૧૦, પૃ.૯)