કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૧. ગ્રીષ્મબપ્પોર અને દિવાસ્વપ્ન

૩૧. ગ્રીષ્મબપ્પોર અને દિવાસ્વપ્ન

જયન્ત પાઠક/

ધીમે ધીમે ટપક ટપકે પાણિયારે મટુકી
વાડે ઠીબે વિહગ ભરતાં ચાંચ તે ઝૂકી ઝૂકી
શેકાતા લૈ પગ તરુ ઊભાં છાંયડે જેમ તેમ
ઊભી ઊભી કળી બળી જતી તાપમાં બેરહેમ;

તાણી લેશે જરી જરી કરી ચીર આખ્ખુંય વાયુ
એવા વ્હેમે અહીં તહીં છુપાતી નદી પથ્થરોમાં
છાની ચાલે અટકતી ધરે કે ઊંડે ગહ્વરોમાં
કાપી પાંખે વિકલ તફડે જીવનો આ જટાયુ;

માથે આખું નભ સળગતું રાખ ચોમેર ઊડે
ધીમે નીચે ધરતી ફરતી શોષ લૈ કંઠ ઊંડે
સુક્કી ડાળો દવ અથડઈ ચાંપતી ડુંગરામાં
ખુલ્લી ચાંચે મૂક વિહગ બે, ડાળીએ સામસામાં!

ઝોકું આવી જતું જરી — દિવાસ્વપ્નઃ હું સાંઢણીની
પીઠે ઊડું, ટણટણ બજે ટોકરી તારકોની!

૧-૫-’૮૧

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૦૨)