કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૫. ચાનક રાખું ને...

૪૫. ચાનક રાખું ને...

જયન્ત પાઠક

ચાનક રાખું ને તોય ચૂકુંઃ

ગુરુજી, કેમ પગલું હું નિશ્ચેમાં મૂકું!
ચાખી ચાખીને મેં તો ભોજનિયાં કીધાં
ગળણે ગાળીને સાત પાણીડાં પીધાં
દૂધનો દાઝેલ, છાશ ફૂંકું!                    ગુરુજીo

અંધારું મૂકી હું ચાલું ઉજાસમાં
પીછો છોડે ન તોય પડછાયો, પાસમાં
લીલાને સળગાવે સૂકું!                    ગુરુજીo

છોડું છેડો તો એક, દૂજો વીંટાતો
આ પા ઉકેલું દોર એ પા ગૂંચાતો
પડઘા લાંબા ને વેણ ટૂંકું!                    ગુરુજીo

૪-૧૨-૧૯૮૭

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૨૧)