કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૮. સાંજનો તડકો


સાંજનો તડકો

નલિન રાવળ

નિરભ્ર નીલું આભ,
લીલીકુંજાર ધરતી પર સફરજનનાં
ઊભેલાં ઝાડ,
ઝરમર વરસતો સાંજનો તડકો;
ઝૂલતું સફરજન તોડવા
પાની ધરાથી સ્હેજ ઊંચકી
હળવું કૂદેલી યૌવનાની છાતી પર ઢળતી
પર્ણો ભરેલી ડાળ... છલકાય
ચરણ પર, ગાત્ર પર, બંકિમ ગ્રીવા પર,
નેત્ર પર, નેહ નીતર્યા મુખ ઉપર
છલકાય
ઝરમર વરસતો સાંજનો તડકો,
નિહાળું
મન મહીં ઊંડે હવે પથરાય

સાંજનો તડકો બધે ધીરે ધીરે...
(અવકાશપંખી, પૃ. ૩૩૨)


  • ડૂંડલોદના રાજગઢમાં જોયેલ ચિત્ર પર રચેલું