કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૯. કમ્પાલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કમ્પાલા

નલિન રાવળ

સાત ટેકરીઓ પર વસેલું આ નગર
સ્વર્ણિમ પ્રભાતે
સહસ્રદલ કમલની પાંખડીમાં મ્હેકતા
આકાશની
જેમ
ઝળહળે છે.
ઝૂમતા
ગુલમ્હોર શા મધ્યાહ્ને
સૂર્યકિરણોમાં ફેલાતી
સિંહની ડણકસમું ગર્જે છે.
પંખીસ્વરે ફરફરતી
તેજભીની સંધ્યાએ
નિગ્રો સ્ત્રી-પુરુષોનાં ચમકતાં નેત્રોમાંથી
વહેતા સ્નેહ સમું ઝરમરે છે.
પર્ણછાયા વૃક્ષોથી લ્હેરાતા
વિક્ટોરિયા લેકના ઊછળતા
જલશીકરોની
જેમ
ઊછળતી રાત્રિમાં
પ્રકટી ઊઠેલ દીપમાળા સમું ઝગમગે છે
સાન્દોલ ચિત્તના સ્વપ્નિલ આકાશમાં.
કમ્પાલાઃ ૭-૯-૨૦૦૮
(અવકાશપંખી, પૃ. ૩૯૯)