કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૯. પારેવાં

Revision as of 18:53, 8 July 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯. પારેવાં| નિરંજન ભગત}} <poem> ઝૂકી ઝૂકી આભથી સારા ઝીંકાતી આષાઢ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૯. પારેવાં

નિરંજન ભગત

ઝૂકી ઝૂકી આભથી સારા
ઝીંકાતી આષાઢધારા,
ઝીલે છે નેહથી એને ઘરનાં નેવાં;
નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં!
જ્યારે ઝૂકી આભથી સારા
ઝીંકાતી આષાઢધારા.

જલભીંજેલી શિથિલ પાંખો
શીત સમીરે કેટલું ધ્રૂજે,
જાણે કોઈ દીપક બૂઝે
એમ એ રાતા રંગની આંખો
પરે વળી વળી પોપચાં ઢળે,
ડોલતી એવી ડોકનોયે શો ગર્વ ગળે!

ક્યારેય એમની કશીય ના હલચલ,
એવું શું સાંકડું લાગે સ્થલ?
નાનેરું તોય સમાવે એવડું તો છે નીડ,
ભીંસે છે તોય શી એવી ભીડ?

પાંખ પસારી સ્હેલનારાંનું
આકાશે ટ્હેલનારાનું
મૂંઝાતું મન કેમે અહીં માનતું નથી!
આખાયે આભને લાવી મેલવું શેમાં?
નાનેરું નીડ છે એમાં?
એની આ વેદના શું એ જાણતું નથી?
એથી એના દુઃખને નથી ક્યાંય રે આરા!
ઝીંકાતી જોરથી જ્યારે આષાઢધારા
ઝૂકી ઝૂકી આભથી સારા!

૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૪૭)