કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૩. નાગપાંચમનું ગીત


૪૩. નાગપાંચમનું ગીત

પ્રિયકાન્ત મણિયાર

ઝૂંપડીને શા ઝાંપા?
બેવડ વળી ભીંતના રૂવે કંકુથાપા!
વણઝારાના વ્હાલને કારણ નેજવું કરી જોઉં,
પૂરવ ઊગ્યો સૂરજ મારો પચ્છિમ માંહી ખોઉં,
હું તો હલતી નહીં
ચલતી નહીં દિનને ગણે આઘાપાછા ટેરવાં કરે ટાંપા!

કોઈ કૂવાની વણ ઊંજેલી ગરગડીની સાંભળી મારી ચીસ?
ગાંઠ છૂટી ગઈ વેરણછેરણ ગાંસડી મારી
મને સાંભરે એની ભીંસ,
મોરતી મારા મનને હું તો તેજ-છરીથી ક્યાંકથી પછી કાપા,
આટલો શ્રાવણ શેંય ઝિલાતો?
એના સેરની વાગે શૂલ,
કૂખમાં ભરાઈ ક્ષણ તે બેઠી
હું તો ભારેવાઈ – ભૂલ,
દૂધડાં ધરું ડંખ દિયો એક આજની પાંચમ
ઠારજો મને નાગજી બાપા!
(આ નભ ઝૂક્યું, પૃ. ૩૦૮)