કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧૭. મોગરો


૧૭. મોગરો

બાલમુકુન્દ દવે

વણવાવ્યો ને વણસીંચિયો,
મારા વાડામાં ઘર પછવાડ રે,
મોગરો મોર્યો મોર્યો રે.

આતપનાં અમરત ધાવિયો
ધોળો ઊછર્યો ધરતીબાળ રે,
મોગરો મોર્યો મોર્યો રે.

આવે સમીરણ ડોલતા
લખ કુદરત કરતી લાડ રે,
મોગરો મોર્યો મોર્યો રે.

આડો ને અવળો ફાલિયો
મસ ફૂલડે મઘ મઘ થાય રે,
મોગરો મોર્યો મોર્યો રે.

એવો મોર્યો અલબેલડો
એને ચૂંટતાં જીવ ચૂંટાય રે!
મોગરો મોર્યો મોર્યો રે.

સૃષ્ટિ ભરીને વેલ વાધતી
વળી વાધે નભવિતાન રે,
મોગરો મોર્યો મોર્યો રે.

કળીએ કળીએ રાધા રમે
એને પાંદડે પાંદડે કા’ન રે,
મોગરો મોર્યો મોર્યો રે.

૧૧-૬-’૪૮
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૬૦)