કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૩. એકલપંથી


૩૩. એકલપંથી

બાલમુકુન્દ દવે

એકલપંથ પ્રવાસી
હંસા એકલપંથ પ્રવાસી!
તમે કિયા મલકના વાસી?
હંસા એકલપંથ પ્રવાસી!

દૂર દિશામાં રહેતી ઝંખી
રતૂમડી આંખો બે પંખી!
કેમ નરી ઉદાસી?
હંસા એકલપંથ પ્રવાસી!

ઊડણની અભિલાષાવાળો
કેમ ઢળ્યો પાંખોનો માળો?
કોમલ કંઠ પિયાસી?
હંસા એકલપંથ પ્રવાસી!

ઊઠો પંખી! પિચ્છ સમારો,
એકલને શાનો સથવારો?
હે માનસસરવાસી!
ઊડો એકલપંથ પ્રવાસી!

૧૯૪૭
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૨૪)