કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૪૨. મનમેળ

૪૨. મનમેળ

બાલમુકુન્દ દવે

કેવા રે મળેલા મનના મેળ?
હો રુદિયાના રાજા! કેવા રે મળેલા મનના મેળ?
ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાની જાળી,
જેવી માંડવે વીંટાય નાગરવેલ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!

તુંબું ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!

સંગનો ઉમંગ માણી,
જિન્દગીને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૩)