કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૪૭. ઇજન


૪૭. ઇજન

બાલમુકુન્દ દવે

આભલે શત શત શગના દીવા
કે શગે શગે સમણાં હસે રસરાજ!
આવજો સમણાંના વીણનારા!
કે અવસર વહી જશે રસરાજ!

નાવલિયો નેણલે જોવનાઈ પીએ,
કે રગે રગે મીઠું ડસે રસરાજ!
આવજો જોવનાઈના ઝીલનારા!
કે અવસર વહી જશે રસરાજ!

ચાંદલિયો ભીની ભીની ચાંદની ચૂએ,
કે રસિયાંને રંગે રસે રસરાજ!
આવજો છાંટણે છંટનારાં,
કે અવસર વહી જશે રસરાજ!

કંચવો ભીંજે કસૂંબલા કોરે —
કે પાલવને કેટલો સંકોરે રસરાજ?
આવજો પ્રીત્યુંના પ્રીછનારા!
કે અવસર વહી જશે રસરાજ!

(બૃહ દ્ પરિક્રમા, પૃ. ૧૬૩)