કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩. બાંકી રેખ

૩. બાંકી રેખ


         આવા મોટા આભમાં નાની
          હોડલી કેવી જાય સોનાની
          કોણ રે એનો કોણ સુકાની?
કોણ રે જાતો કોણ પ્રવાસી પચ્છમ તીરે એક?
આથમણે અંધારમાં ચાલી બીજની બાંકી રેખ.
          આવડા મોટા આભને આરે
          જાય ઝબૂકી ઘડીક વારે
          તોય રે આછા તેજની ધારે
કોણ રે એવું મૂકતું જાતું મનની મીઠી મ્હેક!
આથમણે અંધારમાં ચાલી બીજની બાંકી રેખ.
          એક ઘડીમાં દૂર સુદૂરે
          બાંધતું જાતું અકથ સૂરે
          જોતાં જોતાં આંખડી ઝૂરે
કોણ રે એવું જાય કરીને ઉરનો અભિષેક!
આથમણે અંધારમાં ચાલી બીજની બાંકી રેખ.
          આવડા મોટા આભમાં નાની
          હોડલી આવી હોય તુફાની?
          કોણ રે એનો કોણ સુકાની?
સપનામાં પણ જાય સુનેરી સ્નેહના આંકી લેખ
આથમણે અંધારમાં ચાલી બીજની બાંકી રેખ.
(તરણાં, પૃ. ૮૨)