કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૯. દુનિયામાં દૂજો નહીં

૯. દુનિયામાં દૂજો નહીં


સોરઠ સરવો દેશ મરમી, મીઠો ને મરદ,
એવો દુહાગીર દરવેશ દુનિયામાં દૂજો નહીં.

સોરઠ સેંજળ દેશ ભાતીગળ ભાવે ભર્યો,
એવો હેતાળુ હમેશ દુનિયામાં દૂજો નહીં.

સોરઠ સોનલ દેશ હરિને દ્વારે દીપતો,
વૈકુંઠથીય વિશેષ દુનિયામાં દૂજો નહીં.

સોરઠ દૂધિયો દેશ સોમૈયાને સાંપડ્યો,
જ્યાં રંગાણો રાકેશ દુનિયામાં દૂજો નહીં.

સોરઠ સુગરો દેશ ગઢ ગિરનારે ગહેકતો,
અવધૂતના આદેશ દુનિયામાં દૂજો નહીં.

સોરઠ સતિયો દેશ શેણી! શેણી! રણકતો
બાળે જોબન વેશ દુનિયામાં દૂજો નહીં.

સોરઠ કંવલો દેશ કાળ ન પાડે કરચલી,
નીરખું નિત અનિમેષ દુનિયામાં દૂજો નહીં.

૧૬-૪-’૫૨ (ગોરજ, પૃ. ૨૧)