કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૪૮. કોરું કપડું

૪૮. કોરું કપડું


ચોરેચૌટે સઘળું જોવું ગજવે ઘાલ્યું
રસ્તાનું રસ્તામાં હોવું ગજવે ઘાલ્યું
ક્યાં છે હું ને કેવો હું છે કેમ કહું હું?
જાત બચાવી ખુદને ખોવું ગજવે ઘાલ્યું
આંખ વિશે અંગાર વિશે હું તો શું જાણું?
કોરું કપડું છબછબ ધોવું ગજવે ઘાલ્યું
કરમધરમની માયા મોટા ભૂસકા જેવી
આપ મૂઆના સુખને રોવું ગજવે ઘાલ્યું
નાનો પણ સરવાળો મોટી વાત બને છે
જેનું તેનું આંસુ લોવું ગજવે ઘાલ્યું.
ડગલે ડગલે અંધકારનું અજવાળું છે
લોકોનું જોવું ના જોવું ગજવે ઘાલ્યું
એ જ ખરું છે એ જ સત્ય છે અંતિમ ટાણું
પોતાનું હોવું ના હોવું ગજવે ઘાલ્યું.
(મનહર અને મોદી, પૃ. ૪૭)