કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૪૭. એક
Jump to navigation
Jump to search
૪૭. એક
એક સપનું એ રીતે આગળ વધ્યું
ખૂબ રઝળી દૃશ્ય ઠેકાણે પડ્યું.
એક પંખી પાંખ પર વાદળ મૂકી
આભમાંથી આંખમાં આવી ચઢ્યું
એક જંગલ બંધ મુઠ્ઠીમાં હતું
ઊંઘમાં ને ઊંઘમાં ભડભડ બળ્યું
એક જણના કાન લંબાતા ગયા
એમણે ચૂપચાપ શુંનું શું કહ્યું
એક દિવસ એમનું રસ્તાપણું
આપણું ઘર બાંધવા પથ્થર બન્યું
એક વેળા જાતને પૂછ્યા વિના
કોઈએ હાથે કરી માથું ઘસ્યું
એક નખનો વાઘ આવે છે નજીક
જીર્ણ ઘોડું ચોતરફ જોતું રહ્યું.
૧૯૯૪
૧૯૯૫
(મનહર અને મોદી, પૃ. ૩૬)