કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૪૯. બોલે ઝીણા મોર

૪૯. બોલે ઝીણા મોર


         પાંપણના પોચા પલકારે બોલે ઝીણા મોર,
         અડધાથી પણ અડધી રાતે બોલે ઝીણા મોર.
         તડકો ટપલી દાવ રમે ને ઘાસ લીલું લહેરાય,
         આઘા પાછા કલકલ નાદે બોલે ઝીણા મોર.
         છલ્લક છલ્લક છલ છલકાવે તલ્લક તલ્લક તંન,
         મલ્લક મલ્લક લાખ પ્રકારે બોલે ઝીણા મોર.
         હું ને તું ને તેઓ સર્વે બધું એકનું એક,
         માયા બોલે એમ જ જાણે બોલે ઝીણા મોર.
         પૂરવ પચ્છમ શબ્દે શબ્દે માંડે મોટા કાન,
         ઉત્તર દખ્ખણ પડઘા પાડે, બોલે ઝીણા મોર.
         માણસ છો તો માણસ રહીને કરજો એવાં કામ,
         ઈશ્વર જોવા દોડી આવે, બોેલે ઝીણા મોર.
         કોણ જગત ને કેવી દુનિયા સાચો એક જ હું,
         પોતે હો પોતાની પાસે, બોલે ઝીણા મોર.
૧૯૯૬
(મનહર અને મોદી, પૃ. ૬૨)