કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૫૧. જાગ ને જાદવા

૫૧. જાગ ને જાદવા


         તેજને તાગવા, જાગ ને જાદવા,
         આભને માપવા, જાગ ને જાદવા.
         એક પર એક બસ આવતા ને જતા,
         માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા.
         આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના,
         ભેદ એ પામવા, જાગ ને જાદવા.
         શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે,
         ફૂલવા ફાલવા, જાગ ને જાદવા.
         ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું,
         એટલું જાગવા, જાગ ને જાદવા.
         આપણે આપણું હોય એથી વધુ,
         અન્યને આપવા, જાગ ને જાદવા.
         હું નથી, હું નથી, એમ જાણ્યા પછી,
         આવવા ને જવા, જાગ ને જાદવા.
૧૯૯૬
(મનહર અને મોદી, પૃ. ૬૫)