કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૬. મલક મારો

Revision as of 05:24, 13 November 2022 by Kamalthobhani (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૬. મલક મારો

                    મલક મારો ધૂળિયા મનેખનો મેળો![1]

          વાદળિયા વૈભવનો અઢળક વિસ્તાર,
                   એની સીમાડે સીમાડે છાયા,
          વેડ્યાં વેડાય નહીં વ્હાલપનાં વન,
                   એની પાનપાન પાંગરતી કાયા!
ચીલાને ચકરાવે ગાડેસવાર ક્યાંક મારગ વચ્ચેય થાય ભેળો!
                             મલક મારો ધૂળિયા મનેખનો મેળો!

          આભનાં ઊંડાણભર્યું હૈયું ને
                   પાંપણમાં સાગરની સાહ્યબીનું પૂર,
          ખેડાતી વેળાનો મબલક રે ફાલ,
                   મારી ઉગમણી ધરતીનું નૂર!
પાંચે આંગળીઓનું પોંખામણ, દીવાના અજવાળે આંખ્યુંનો મેળો!
                                       મલક મારો ધૂળિયા મનેખનો મેળો!


૧૯૭૦ (અંતરનું એકાંત, પૃ. ૧૦૯)

  1. આ પંક્તિ કવિશ્રી હરિકૃષ્ણ પાઠક પાસેથી મળી છે.