કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૨૩. મા ઝળઝળિયાંજીની ગરબી


૨૩. મા ઝળઝળિયાંજીની ગરબી

રમેશ પારેખ

તમે કોને મળ્યાં ને કોને ફળ્યાં મા ઝળઝળિયા
તમે પાંપણના ચોકથી પાછાં વળ્યાં, મા ઝળઝળિયા

હું તો ઓલ્યા જનમના ડૂમે બળું, મા ઝળઝળિયા
તારી કેડીમાં એમ અજવાળું કરું, મા ઝળઝળિયા

મારે કાગળમાં શાહીનાં જાળાં બંધાય, મા ઝળઝળિયા
સાવ ભોંઠપથી હાથ કાંઈ એવાં ગંધાય, મા ઝળઝળિયા

કોણે હરિયાળી વેલથી તોડી લીધો રે, મા ઝળઝળિયા
મને કાચોપાકો જ ક્યાંક છોડી દીધો રે, મા ઝળઝળિયા

આવ, પાંસળીમાં હીંચકા બાંધી દઉં, મા ઝળઝળિયા
તને હીબકે હીબકે ઝુલાવી લઉં, મા ઝળઝળિયા

૨૧-૮-’૭૧/શનિ
(છ અક્ષરનું નામ, પૃ. ૧૯૦)