કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૨૪. લાખા સરખી વારતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૪. લાખા સરખી વારતા

રમેશ પારેખ

કોઈ કોઈ વાર
હજી કોઈ કોઈ વાર
ઓ રે લાખા વણઝારા... ભાળું તારી વણઝાર...


કોઈ ઓછું ઓછું થઈ બોલી ઊઠ્યું હોય, ‘આવ’...
— એવું રૂપલું તળાવ
અને વ્હાલથી વશેકું જળ લળક લળક
કને જટાજૂટ ઝાડ
તળે ઘંટડીથી હીચોહીચ પોઠના પડાવ
(લે... અવાવરું નગારે પડ્યા દાંડીઓના ઘાવ)
સાવ થંભી ગયા ચડતા ને ઊતરતા ઘાવ
અરે, હું ને મારા ભેરુ
આહા... શંકરનું દેરું
અને ધજા
અને આંબો
અને કુંજડીનો હાર
અને ટિટોડીનાં ઈંડાં
અને મૂઠીમાં હાઉક... મારું ગભરું પતંગિયું
ને ગામ સીમ કેડા
બધી વાત બધા છેડા
જાદૂમંતરથી છૂ... લાખો વણઝારો બની ગયા


ઘંટડીથી હીચોહીચ પોઠના પડાવ
તંબૂ ઊંટ તંબૂ બકરી ને રાવટીનું ઝુંડ
બેસે ઊઠે બેસે જાય
મ્હોરે ખરીઓની ગંધ
મ્હોરે શિંગડીની ગંધ
મ્હોરે ઘંટડીની ગંધ
ખૂલે સળ પછી સળ
જાણે ઊઘડે કમળ
બધું વહે ખળખળ
મન વહે મનઢાળાં
અને અલ્લલલ વાગે કોડી-શંખલાની માળા
વણઝારીઓનું ઝુંડ ઘૂમે ઘમ્મર ઘમ્મર
અરે, ખોબે ખોબે અબીલગુલાલ જેવી
સરરર ઓઢણીઓ ઊડે
ઝૂલે કમ્મખામાં/આભલામાં
આખી વણઝાર
—ભર્યો
સોળે શણગાર
પણે
પડ્યો એનો વાંકોચૂંકો અઢળક ભાર
ઝીણું પવનમાં ઝાંઝરીનું સેંજળ તળાવ
અરે, હફળક દઈ એમાં ડૂબ્યો રે પડાવ
ડૂબ્યું રૂપલું તળાવ
બધું ક્યાંય નહીં સાવ...
માથે ધીમાં ધીમાં ઘંટડીનાં પોયણાંઓ તરે
માથે ધીમાં ધીમાં ઘંટડીનાં પોયણાંઓ તરે
માથે ધીમાં ધીમાં ઘંટડી —
એ... હફળક ઝાંઝરીને કાંઠે હું ય લપસ્યો
ને...


કોણ જાણે ક્યારે પછી નીકળ્યો હું બ્હાર
ઝીણું ઝાંઝરીનું ઘેન...
એક ભારઝલ્લી પાળ ગાંડીછોળદાર તૂટે
ફર્ર... પાળેતુ પોપટ વનરાઈ ભણી છૂટે
ક્યાંક આઘે... આઘે... આઘે...


મારા ઊપડ્યા પડાવ
પછી ક્યારે મારી વણઝાર હાશભેર અટકી
ને ક્યારે દીઠું સાચકલું અમરેલી ગામ...
અરે, ગામ મારાં ઊંટ અને બકરીની જેટલું જ
કોણ જાણે શાથી એવું કાલુંવ્હાલું લાગ્યું
એવું કાલુંવ્હાલું લાગ્યું...
નદી મંગળાની કેડીએ
લટારતો લટારતો હું લાખો વણઝારો
રાણા ભાવજીના અબરખમ્હેલ કને પૂગું
આહા... અધ્ધધધ મ્હેલ...
ઊંચે સાતમે ઝરૂખે કાંઈ કાગને ઉડાડતી
મેં રૂપરૂપબ્હાવરી પદમણીને જોઈ...


ખમ્મા, દૂધમલ આંખે મને લાલઘૂમ દોરો ફૂટ્યો
ખમ્મા, ખમ્મા, બરછટ મરદાઈ ફૂટી
લાવ, બરછીકટારીઓથી મુઠ્ઠી ભરી લઉં
કસું ફાટફાટ તોડે છાતી ફાટફાટ
બાપો બાપો...
તોડે મને તોડે છાતી ફાટફાટ
બાપો બાપો...
બોલો, મારા દાદા, બોલો, કિયાં વેર વાળું?
બોલો, કિયાં વેર વાળું?


આખ્ખા સૂરજનો તાપ મને એકલાને લાગે


આવા દેશવટા જેવા તંબૂ-રાવટીમાં બોલ,
લાખા, કોની છબી ટાંગશું?


લાવ, હું ઉડાડું તારા કાગ, હો પદમણી
લાવ, હું ઉડાડું તારા કાગ જી
કાંકરી ફંગોળ્યે નહીં તાગ, હો પદમણી
નજરું ફેંકો તો આવે તાગ જી


આપું આપું જોડબંધ મોરલા, પદમણી
આપું તો જોડબંધ મોર જી
ટોડલે કરાવો મોરબેસણાં, પદમણી
તોરણે બંધાવો કલશોર જી


જેવડી ભીનાશ મારી ખોઈ મેં, પદમણી
જેવડી ભીનાશ ક્યાંક ખોઈ મેં
એવડું ચોમાસું તને જોઈ મેં, પદમણી
એવડું ચોમાસું તને જોઈ મેં


કાગા રે કાગા હો, તારી ચાંચ...
હું તો સોનેરી મોતેરીએ મઢાવું રે મઢાવું, કાગારાજ...
કાગા રે કાગા હો, તારાં વેણ...
હું તો વેણલાંને છાતીએ જડાવું રે જડાવું, કાગારાજ...


ઊભી રે ઊભી રે હું તો ઊભવાને લાગી
કેડી રે કંડારો, માણારાજ
હાલોને આપણ સાચકલું હાલીએ
ઝાંખી રે ઝાંખી રે હું તો ઝંખવાતી ચાલી
અમને સંકોરો, માણારાજ
હાલોને હાથ હાથમાં ઝાલીએ


સૂના રે માળાનો શણગાર
પંખી કેરું આવવું રે લાગે...
એવું એવું કોડિયા મોઝાર
દીવાનું અંજવાસવું રે લાગે...


રે લીલો હલબલ હલબલ મોલ
કે બાજરી ઝુલ્લે ને ઝૂલતી જાય
કે અનરાધારે તે વાયરો વાય
કે પાંદડીએ પાંદડીએ દીવડા થાય


ઊડ ઊડ આમ એક સમળી રે આવી
અને સમળી બેઠી છે મારી ડાળીએ હો જી
ડાળીએ નમ્યા રે અમે ચારચાર આંખ
પાન ડમરીનાં ઊઘડતાં ભાળીએ હો જી


ઊડી ઊડી જાવ, તમે સમળી સુજાણ...
કાંઈ થથરે બળૂકાં મારાં બાવડાં હો જી
હફળક દઈ તારી મરડાશે ડોક
તમે સાવ રે આવાં ને અમે આવડા હો જી


સમળીરાણી તો ખીખી હસે, જેય બોલો
આમ ને ખસે કે તેમ ખસે, જેય બોલો
સમળીરાણી તો શેષનાગ, જેય બોલો
મૂછનો કે પૂછનો ન તાગ, જેય બોલો
સમળીનું સત દોમદોમ, જેય બોલો
સમળી તો શણગટ ૐ, જેય બોલો


આમ રે જોવાનું મને મંન હો રે વણઝારા
તેમ રે જોવાનું મને મંન હો રે લોલ
ફડફડ આંખ મોરી ઊડી ઊડી જાય
જેમ ઝાડવેથી ઊડતો પવંન હો રે લોલ


સોનેરી-મોતેરી રૂડો સમળીનો વાન
એની કાંચળી પ્હેર્યાના મને ભાવ હો રે લોલ
સાબદાં રે તાણો તમે તીર તતકાળ
વીર, સમળી વિદારવાને જાવ હો રે લોલ


સમળી તો વીંધી ન વીંધાય, હો પદમણી
સમળી ઝલાય નહીં હાથમાં
સમળી ઘેઘૂરઘટ વંન, હો પદમણી
સમળી ન આવે કાંઈ બાથમાં.
સમળીની સાત લાખ પાંખ, હો પદમણી
સાત લાખ પાંખમાં ઉગામવું
એક રે જોઉં તો બીજું સેંકડો ન જોઉં
એવા આંધળાપણાને કેમ ડામવું?
હાથના ઉગામ્યે હાથ બટકે, પદમણી
વણ રે ઉપાડ્યે પગ ચાલતા
તરણું ઝીલું તો ભાર લાગતો, પદમણી
પથરા વાવું તો રહે ફાલતા
હાલો રે હાલો રે આ તો સમળીનાં રાજ
અહીં સમળીઓ સૂપડે વીંઝાય છે
સમળી રે ઊગે અને આથમે, પદમણી
સમળીની દાંડીઓ પીટાય છે.


સોનેરી-મોતેરી રૂડો સમળીનો વાન
એની કાંચળી પ્હેર્યાના મને ભાવ હો રે લોલ
સાબદાં રે તાણો તમે તીર તતકાળ
તમે સમળી મારીને વીર થાવ હો રે લોલ


સમળીની સાત લાખ પાંખ, હો પદમણી


સમળી તો બાંધી ન બંધાય, હો પદમણી


વીર, સમળી વિદારવાને જાવ, હો રે લોલ


હાથના ઉગામ્યે હાથ બટકે, પદમણી


તમે સમળી મારીને વીર થાવ, હો રે લોલ


હાલો રે હાલો રે આ તો સમળીનાં રાજ


તમે સમળી મારીને વીર થાવ હો રે લોલ


હાકલ પડતા
મૂછવળ ચડતા
જુદ્ધઝપાટા ગડગડતા
ભૂંગળ ગાજી
સાવઝબાજી
તીરકંદાજી ખડખડતા
ગડગડ ખડખડ
ગડગડ ખડખડ
ગડગડ ખડખડ તડતડતા


પછી તીર અને સમળી
ને તીર અને સમળી
ને સમળીનાં જોરબંધ જુદ્ધ રે ખેલાય...


પછી જુદ્ધ રે ખેલાય


હજી જુદ્ધ રે ખેલાય...


વળી જુદ્ધ રે ખેલાય...


તીર વાંકાં વળી જાય
વાંકાં વળી જાય તીર
કરે કેસરિયાં વીર
ઊડી લૂગડાંની લીર
ઊડી આંગળીની લીર
ઊડી બાવડાંની લીર
ઊડી થોભિયાંની લીર
ઊડી પાંસળીની લીર


એક ઝાટકે વઢાઈ ગયું બેસવું...
વઢાઈ ગયું ઊભવું
વઢાઈ ગયું ઝૂઝવું
વઢાઈ ગયું ચીસવું
વઢાઈ એક ઝાટકે મીંઢળબંધ છાતિયું
જનોઈવઢ ઝાટકે વઢાઈ ગયાં મોડબંધ વેણ...


લોહીબંબોળો બંબોળો
લોહીબંબોળો બંબોળો


પીવો, ધ્રાપી ધ્રાપી બંબોળ કે સમળી જગદંબા
તારો ચાંદલો રાતોચોળ કે સમળી જગદંબા
પીવો, બતરીસા અવતાર કે સમળી જગદંબા
પીવો, ઓરતા અનરાધાર કે સમળી જગદંબા


વીર કાચી રે કરચથી કપાણો, હાયહાય
વીર ઊભી રે બજારમાં મરાણો, હાયહાય
વીર વંશ રે પુરુષ કેરો બેટો, હાયહાય
વીર હાથપગધડનો ત્રિભેટો, હાયહાય
વીર કાગળપત્તરમાં લખાશે, હાયહાય
વીર વારતામાં ફૂમકે ગૂંથાશે, હાયહાય


વીર અડધો મર્યો ને આખો પાળિયો ખોડાય
વીર અડધો મર્યો ને આખી ચૂડિયું ફોડાય
વીર અડધો મર્યો ને આખી છાતિયું કૂટાય
વીર અડધો મર્યો ને આખી છાવણી રંડાય


જાણે કોણ ક્યારે ક્યાંથી મારા ઊપડ્યા પડાવ
જાણે કોણ ક્યારે ક્યાંથી
દડમજલ મજલ
દડમજલ મજલ
દડડમજલ મજલ ચલ, જીતવા...


વીંછી ચડિયો હોય તો એનો થાય ઉતાર
આ તો વણઝારુંનો ભાર, એને કેમ ઉતારું કાંધથી?


પાંપણ તો લચકો થઈ ને હાથ બન્યો ખંડેર
તલવાર્યુંની પેર, હવે ઝાંઝર વાગે ઝાટકા


લાખા સરખી વારતા ને રૂંવે રૂંવે મોર
ફાગણ આઠે પ્હોર, તમે જીવમાં રોપ્યો જીતવા...


કોણ વછોયું કોણથી ને વચમાં ઊભું વન
છેતરતાં લોચંન, હવે એકબીજાંને એકલાં...


જેવડી ભીનાશ મારી ખોઈ મેં, પદમણી
જેવડી ભીનાશ મારી ખોઈ મેં,
એવડું ચોમાસું ક્યાંક જોઈ મેં, પદમણી
એવડું ચોમાસું તને જોઈ મેં...


જેટલું રે આઘું આઘું રડવાનું સુખ
એટલું ય યાદ ના પદમણીનું મુખ


કોઈ કોઈ વાર
હજી કોઈ કોઈ વાર
ઓ રે લાખા વણઝારા...
જુલાઈ/૧૯૭૨
(છ અક્ષરનું નામ, પૃ. ૨૫૧-૨૬૦)