કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૨૬. કાગડો મરી ગયો…


૨૬. કાગડો મરી ગયો…

રમેશ પારેખ

સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો.

નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો.

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું સિદ્ધ એ કરી બતાવ, કાગડો મરી ગયો.

શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો?
ગમે તે અર્થ તું ઘટાવ, કાગડો મરી ગયો.

શું કામ જઈને બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ, કાગડો મરી ગયો.

અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
કરી કરીને — કાંવ...કાંવ કાગડો મરી ગયો.

સદાય મૃતદેહ ચૂંથી કોને એમાં શોધતો?
લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો.

લ્યો, કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ : ‘કાગડો મરી ગયો’…

રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા…
You stop…stop…stop…now કાગડો મરી ગયો.

૨૭-૧૨-’૭૨/બુધ
(છ અક્ષરનું નામ, પૃ. ૨૭૦-૨૭૧)