કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૨૫. જળને કરું જો સ્પર્શ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૫. જળને કરું જો સ્પર્શ

રમેશ પારેખ

જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ,
સોનલ, આ તારા શ્હેરને એવું થાયું છે શું?

ખાબોચિયાની જેમ પડ્યાં છે આ ટેરવાં,
તળિયામાં ભીનું ભીનું જે તબક્યા કરે તે તું?

પીડા ટપાલ જેમ મને વ્હેંચતી રહે,
સરનામું ખાલી શ્હેરનું ખાલી મકાનનું.

આ મારા હાથ હાથ નહીં વાદળું જો હોત
તો આંગળીની ધારે હું વરસી શકત બધું.

પ્રત્યેક શેરી લાગે રૂંધાયેલો કંઠ છે,
લાગે છે હર મકાન દબાયેલું ડૂસકું...

ટાવરના વૃક્ષે ઝૂલે ટકોરાનાં પક્વ ફળ,
આ બાગમાં હું પાંદડું તોડીને શું કરું?

આખું શહેર જાણે મીંચાયેલી આંખ છે,
એમાં રમેશ, આવ્યો છું સપનાની જેમ હું

૧૮-૬-’૭૫/બુધ
(છ અક્ષરનું નામ, પૃ. ૨૬૩-૨૬૪)