કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૩૦. મારા ચ્હેરાનું ઘરેણું


૩૦. મારા ચ્હેરાનું ઘરેણું

રમેશ પારેખ

મારા ચ્હેરાનું ઘરેણું મારી મૂછ, મને ખમ્મા...
અમરેલી શ્હેર જેવું અમરેલી શ્હેર મારી મૂછ બાદ કરીએ
તો તુચ્છ, મને ખમ્મા...

કોણ જાણે ક્યાંથી આ નાસિકાના છાયડામાં
દોમ દોમ તાણી છે રાવટીઃ
ભીતરનું ભોપાળું નીકળ્યું કે અસ્સલમાં
એક એક તંત છે બનાવટીઃ

કોઈ નથી કરતું પડપૂછ, મને ખમ્મા...

ખોંખારા મારવાથી હિમ્મત રહે છે
અને લાગે છે વાહ્‌વાને દાદુઃ
બાકી તો માછલી બતાવે છે રેતીના-
રાફડામાં જીવવાનો જાદૂઃ

ધીંગાણું કોણે જોયું છ? – મને ખમ્મા...
૩૧-૧-’૭૬/શનિ — ૫-૩-’૭૬/શુક્ર
(છ અક્ષરનું નામ, પૃ. ૨૯૨)