કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪. હવે આંખોનું નામ નહીં આંખો


૪. હવે આંખોનું નામ નહીં આંખો

રમેશ પારેખ

સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો

આંખો તો મોગરાની ડાળીનું નામ
એને શમણું જોયાનું ફૂલ ઝૂલે

રૂંવેરૂંવામાં પડે મ્હેકતી સવાર
જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે

હાથમાંથી સરકીને વહી જાતાં ભાનસાન
વીંઝે રે દૂર દૂર પાંખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો

દીધું ન જાય કોઈ પંખીનું નામ
એવી હોઠોમાં ઊપડતી ગ્હેક
જાણે બધું નજરાઈ જાતું ન હોય
એમ – જેને જોઉં તે મ્હેક મ્હેક!

એટલુંય ઓછું ન હોય એમ ફળિયામાં
આંબાની લૂમઝૂમ સાખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો.

૩૦-૧૦-’૬૯
(છ અક્ષરનું નામ, પૃ. ૫૬)