કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧૧. ઈંધણાં વીણવા ગૈતી


૧૧. ઈંધણાં વીણવા ગૈતી

ઈંધણાં વીણવા ગૈતી મોરી સૈયર,
ઈંધણાં વીણવા ગઈ’તી રે લોલ;
વેળા બપ્પોરની થૈતી મોરી સૈયર,
વેળા બપ્પોરની થઈ’તી રે લોલ.
ચઈતરનું આભ સાવ સૂનું સૂનું ને તોય
કંઈથી કોકિલકંઠ બોલે રે લોલ,
વનની વનરાઈ બધી નવલી તે કૂંપળે
દખ્ખણને વાયરે ડોલે રે લોલ.
જેની તે વાટ જોતી રૈતી મોરી સૈયર,
જેની તે વાટ જોઈ રહી’તી રે લોલ,
તેની સંગાથ વેળ વ્હૈતી મોરી સૈયર,
તેની સંગાથ વેળ વહી’તી રે લોલ.
સૂકી મેં વીણી કાંઈ ડાળી ને ડાંખળી
સૂકાં અડૈયાંને વીણ્યાં રે લોલ,
લીલી તે પાંદડીમાં મ્હેકંત ફૂલ બે’ક
મારે અંબોડલે ખીલ્યાં રે લોલ.
વાતરક વ્હેણમાં નૈતી મોરી સૈયર,
વાતરક વ્હેણમાં નહી’તી રે લોલ,
ઈંધણાં વીણવા ગૈતી મોરી સૈયર,
ઈંધણાં વીણવા ગઈ’તી રે લોલ.
(સંકલિત કવિતા, પૃ. ૭૨-૭૩)