કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧૩. મન મેં તારું જાણ્યું ના


૧૩. મન મેં તારું જાણ્યું ના

મન મેં તારું જાણ્યું ના, જાણ્યું ના.
આંગણે જેને ઇજન દીધું
ઘરમાં એને આણ્યું ના.
વન-પારેવાં કરતાં કેલિ,
માલતી-ફૂલે વેલ ઝૂકેલી,
નૅણથી ઝરી નૂરની હેલી;
હોઠ બે તારા ફરક્યા આતુર
તોય મેં ઝીલ્યું ગાણું ના.
નાંગર્યું’તું જે નાવ કિનારે
દૂર તે ચાલ્યું પારાવારે,
શોચવું રહ્યું મનમાં મારેઃ
‘જલનાં વ્હેણની જેમ સર્યું તે
આવતું પાછું તાણું ના’.
ભૂલમાં કેવી ભૂલ કીધેલી,
ઉરની ભણી આંખ મીંચેલી,
મેં જ મને ના ઓળખી વ્હેલી;
પૂનમ ખીલી પોયણે, સુધા-
પાન મેં ત્યારે માણ્યું ના.
(સંકલિત કવિતા, પૃ. ૭૫)