કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧૯. કાયાને કોટડે બંધાણો


૧૯. કાયાને કોટડે બંધાણો

કાયાને કોટડે બંધાણો
અલખ મારો લાખેણા રંગમાં રંગાણો.
કોઈ રે જ્યાં ન્હોતું ત્યારે નિજ તે આનંદ કાજે
ઝાઝાની ઝંખનાઓ કીધી,
ઘેરાં અંધાર કેરી મૂંગી તે શૂન્યતાને
માયાને લોક ભરી લીધી. અલખ મારોo
અનાદિ અંકાશ કેરી અણદીઠ લ્હેરુંમાંયે
રણૂંકી રહ્યો રે ગીત-છંદે.
અંગડે અડાય એને, નયને લહાય એવો
પરગટ હુઓ રે ધૂળ-ગંધે. અલખ મારોo
નજરુંનો ખેલ એણે રચ્યો ને જોનારથી જ્યાં
અળગો સંતાણો અણજાણ્યો,
જાણ રે ભેદુએ જોયો નિજમાં બીજામાં, જેણે
પોતે પોતાનો સંગ માણ્યો. અલખ મારોo
(સંકલિત કવિતા, પૃ. ૯૫)