કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૩૨. આવડ્યું એનો અરથ


૩૨. આવડ્યું એનો અરથ

કાંચળી જોઈને કાયર ભાગે ને મૌવર માંડે મરદ,
સાત પાતાળનાં ભોંયરાં ભેદીને આવતી નાગણ
રાગનું એનેય દરદ… કાંચળીo
વાંસમાં ઘેરાય વાયરો, ન્યાંથી
ઊપને મધુર વૅણ,
નૅણ-લુભામણ રૂપની રે તંઈ
ડોલતી રમે ફેણ;
આપણી સામે ચાલ જેવી, હોય આપણી તેવી મરડ… કાંચળીo
ઊજળો દા’ડો હોય કાળો અંધાર
ચારેગમ મોતની ડણક,
આપણોયે ટંકાર બોલે ઈમ
રાખીએ તાણી તીરની પણછ;
દાવ ચૂક્યાનું કામ નહીં, અહીં આવડ્યું એનો અરથ… કાંચળીo

(સંકલિત કવિતા, પૃ. ૩૦૯-૩૧૦)