કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૩૫. મારી બા


૩૫. મારી બા

દિન પર દિન
ચિદાકાશમાં ગુંજરતા ધ્વનિની સાથે
આંગળી પરથી સરી જતા જપમાળાના મણકાની જેમ
જાય છે એના
દિન પર દિન.
નિતાન્ત એકાકિની
(મતંગના આશ્રમની
– યજ્ઞકુંડના પ્રશાન્ત અગ્નિની એક અપ્રતિહત જ્વાલા –
જાણે કે શબરી)
કુટીરની ભીતરની
ને પ્રાંગણની
નિત્ય અધ્યયને કરે
નિત્ય સંમાર્જના.
કરે
ઋતુ ઋતુ તણાં ફલનું ચયન,
કાલાન્તરે ઋષિભાખ્યું જેનું આગમન થશે
એને કાજ
નિજી તો પ્રતીક્ષા,
અનાહાર,
મૌન.
ઉપવનનાં તરુપર્ણની મંદ મંદ મર્મરની મધ્ય
યજ્ઞકુંડના પ્રશાન્ત અગ્નિની એક અપ્રતિહત જ્વાલા.

(સંકલિત કવિતા, પૃ. ૩૪૫-૩૪૬)