કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/કવિ અને કવિતાઃ રામનારાયણ પાઠક • ઊર્મિલા ઠાકર

કવિ અને કવિતાઃ રામનારાયણ વિ. પાઠક 'શેષ'



Ramnarayan V Pathak.jpg


શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠકનો જન્મ ૮મી એપ્રિલ ૧૮૮૭ના રોજ ધોળકા તાલુકાના ગાણોલ ગામમાં. વતન ભોળાદ. પ્રશ્નોરા નાગર. પિતા વિશ્વનાથ સદારામ પાઠક શિક્ષક, સંસ્કૃતના વિદ્વાન. માતા આદિતબાઈ, વ્યવહારદક્ષ અને ધાર્મિક. લોકગીતો અને દેશીઓ વગેરેના શોખીન. રામનારાયણનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જેતપુર, રાજકોટ, જામખંભાળિયા અને ભાવનગરમાં. ભાવનગરમાંથી તેઓ મૅટ્રિક થયા, પછી શામળદાસ કૉલેજ, ભાવનગર. ત્યાંથી વિલ્સન કોલેજ, મુંબઈમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંથી ૧૯૦૮માં લૉજિક અને મોરલ ફિલૉસૉફી વિષયો સાથે બી.એ.; એ જ કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે સંસ્કૃતનું અધ્યાપન. દરમિયાન ૧૯૦૩માં મણિગૌરી સાથે લગ્ન. ૧૯૧૧માં એલએલ.બી. થઈને અમદાવાદમાં વકીલાત. ક્ષયરોગનું નિદાન થતાં ૧૯૧૨માં સાદરામાં સ્થિર થયા. વકીલાત શરૂ કરી. ૧૯૧૮માં પત્ની મણિગૌરીનું અવસાન. એ પછી પુત્રીનું તથા બહેનનું અવસાન. ૧૯૧૯માં માંદગીને લીધે વકીલાત છોડી. ૧૯૨૦માં ઈન્દુલાલ યાજ્ઞિકના નિમંત્રણથી ગુજરાત કેળવણી મંડળમાં જોડાયા. જે. એન. ન્યુ ઇંગ્લિશ સ્કૂલમાં લગભગ છ માસ આચાર્ય તરીકે સેવાઓ આપી. અસહકારના આંદોલનથી આકર્ષાયા. ૧૯૨૧માં ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૨૮ સુધી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રમાણશાસ્ત્ર અને ભાષા-સાહિત્યનું અધ્યાપન કર્યું. ૧૯૩૦માં રાષ્ટ્રીય સત્યાગ્રહમાં એક ટુકડીની આગેવાની. છ માસ જેલની સજા. ૧૯૨૫-૧૯૩૭ સુધી ‘પ્રસ્થાન’ માસિક ચલાવ્યું. ‘પ્રસ્થાન’ માસિકને કારણે તેમની સર્જન પ્રવૃત્તિને વેગ મળ્યો. તેમાં તેમણે ‘જાત્રાળુ’, ‘ભૂલારામ’, ‘શેષ’, ‘દ્વિરેફ’ અને ‘સ્વૈરવિહારી’ ઉપનામો ધારણ કરીને સાહિત્યના વિવિધ ક્ષેત્રે પ્રદાન કર્યું. ૧૯૩૫-૧૯૩૭ મુંબઈની કૉલેજમાં અધ્યાપન. ૧૯૩૭-૧૯૪૬, મે સુધી એલ.ડી. આર્ટ્‌સ કૉલેજમાં અધ્યાપન. ૧૯૪૬ જૂનથી ૧૯૫૦ જૂન સુધી મુંબઈની ભારતીય વિદ્યાભવન સંસ્થામાં. ૧૯૫૦-૧૯૫૨ ગુજરાત વિદ્યાસભા, અનુસ્નાતક વિભાગ, અમદાવાદમાં. ૧૯૫૨થી અંત સમય સુધી ફરીથી ભારતીય વિદ્યાભવન સંસ્થા, મુંબઈમાં અધ્યાપન, અધ્યયન અને સંશોધન. તેમણે મુંબઈના રેડિયો સ્ટેશનના ગુજરાતી વિભાગના સલાહકાર તરીકે સેવાઓ આપેલી. ૨૫ વર્ષ એકાકી જીવન. ૧૯૪૫માં તેમના શિષ્યા હીરાબહેન કે. મહેતા સાથે લગ્ન. મધુર દામ્પત્યજીવન. ૧૯૪૭માં હૃદયરોગ. તા. ૨૧-૮-૧૯૫૫ના રોજ નિધન. તેમની પાસેથી ૧૯૩૮માં ‘શેષનાં કાવ્યો’ અને ૧૯૫૯માં ‘વિશેષ કાવ્યો’ મળ્યાં છે. કવિતા ઉપરાંત તેમણે હળવા નિબંધો, ગંભીર નિબંધો, તેમજ સાહિત્ય વિવેચનમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. એ ઉપરાંત ‘પ્રાચીન ગુજરાતી છંદો’, ‘ગુજરાતી પિંગળ નવી દૃષ્ટિએ’ એમના મહત્ત્વના ગ્રંથો છે. સંપાદન અને અનુવાદક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. શ્રી રા. વિ. પાઠકને તેમની વાર્તા ‘ઉત્તર માર્ગનો લોપ’ (૧૯૪૦) માટે ૧૯૪૩માં મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક, ‘પ્રાચીન ગુજરાતી છંદો’ માટે ૧૯૪૯નું હરગોવિંદ કાંટાવાળા પારિતોષિક તેમજ એ જ ગ્રંથ માટે નર્મદસુવર્ણચંદ્રક તેમજ ‘બૃહતપિંગળ’ માટે ૧૯૫૬નું સાહિત્ય અકાદેમી, દિલ્હીનું પારિતોષિક એનાયત થયેલું.

શ્રી રા. વિ. પાઠકને અભ્યાસ દરમિયાન ચુનીભાઈ ભટ્ટ અને ગિજુભાઈ જેવા સહાધ્યાયીઓ મળ્યા. નાનાભાઈ ભટ્ટ જેવા આદર્શ શિક્ષક મળ્યા. મુંબઈના અભ્યાસ દરમિયાન તેમને મહાદેવભાઈ દેસાઈનો પરિચય થયો. પરિણામે તેમના સાહિત્ય અને શિક્ષણને પોષણ મળતું રહ્યું. સાહિત્ય અને શિક્ષણના વિકાસમાં તેમના માતા-પિતાનો પણ નોંધપાત્ર ફાળો છે. શ્રી હીરાબહેન પાઠક કહે છે તેમ, કવિ રામનારાયણ પાઠક ‘સાક્ષરયુગ-ગાંધીયુગની વચ્ચેના ઉંબર ઉપર ઊભેલા છે.’ આથી તેમની કવિતામાં સાક્ષરયુગના સંસ્કારો ઝિલાયાં છે. કવિના જીવનદર્શનમાં ગાંધીયુગનો પ્રભાવ જોવા મળે છે. ગાંધીજી જે મૂલ્યો માટે જીવ્યા એ મૂલ્યો માટેની નિષ્ઠા રા. વિ. પાઠકના કાવ્યોમાં પ્રગટ થઈ છે. આ કવિએ પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન ગુજરાતી ભારતીય તેમજ પાશ્ચાત્ય શિષ્ટ સાહિત્યના વારસાને આત્મસાત્ કર્યો છે. જેનાથી તેમની સર્જનશક્તિ પાંગરી છે, પોષાઈ છે. ૧૯૨૧માં ‘જાત્રાળુ’ ઉપનામથી ‘રાણકદેવી’ કાવ્ય લખ્યું. ૧૯૨૫ના ગાળામાં ‘નર્મદાને આરે’ કાવ્ય ‘શેષ’ ઉપનામથી પ્રગટ થયું. જે પત્નીના મૃત્યુ નિમિત્તે રચાયેલું કરુણ-વિયોગનું કાવ્ય છે. આ કાવ્યયાત્રા ૧૯૫૫ સુધી ચાલુ રહી. ‘શેષ’નું અંતિમ ગ્રંથસ્થ કાવ્ય ‘સાલમુબારક’ ૧૮-૪-૧૯૫૫ના રોજ લખાયેલું. શ્રી રામનારાયણ પાછકની કવિત્વશક્તિનો પરિચય આપતાં હીરાબહેન લખે છેઃ ‘પ્રચંડ અને કુશાગ્ર બુદ્ધિસંપત્તિ અને મૃદુભાવની કવિત્વશક્તિ ધરાવનાર વાઙ્‌મયપુરુષ તે ‘શેષ’.’

૧૯૩૮માં ‘શેષનાં કાવ્યો’ પ્રગટ થયાં. આ કાવ્યસંગ્રહ તેમના સ્વર્ગસ્થ પત્ની મણિગૌરીને અર્પણ કર્યો છે. એ ‘અર્પણ’ કાવ્ય અનોખું છેઃ

‘વેણમાં ગૂંથવા’તાં–
કુસુમ તહીં રહ્યાં
અર્પવા અંજલિથી.’

માત્ર પંદર વર્ષ (૧૯૦૩-૧૯૧૮)ના લગ્નજીવનમાં પ્રિય પત્ની ચાલ્યાં જતાં અધૂરાં રહેલાં સ્વપ્નો જાણે અંજલિરૂપે જ અર્પવા રહ્યાં. ‘છેલ્લું દર્શન’માં પત્નીનું અંતિમ દર્શન કરતાં કવિ અશ્રુધારાને કહે છેઃ

ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!
...
મળ્યાં તુજ સમીપ અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

અગ્નિની સાક્ષીએ મળી, અગ્નિની સાક્ષીએ છૂટા પડવું, હિંદુ ધર્મ મુજબ અંતિમ સમયે સોળે શણગાર સજાવેલી સૌભાગ્યવતી પત્ની વિશેષ ભવ્ય અને મંગલ દેખાય છે. કવિ છેલ્લું દર્શન મન ભરીને કરે છે. જે ગુજરાતી કવિતાના ઉત્તમ સૉનેટમાંનું એક બની રહ્યું છે. આ કવિએ જીવનના ઉલ્લાસને, માધુર્યને મન ભરીને માણ્યાં છે. એથી એમની પાસેથી ઉત્તમ પ્રણયકાવ્યો તેમજ દામ્પત્યજીવનનાં કાવ્યો મળ્યાં છે જેમકે, ‘નવવરવધૂ’માં નવપરણિત દંપતી વચ્ચે થતું ઘર્ષણ – દ્વંદ્વ, કડવાશ અને મીઠાશ વગેરેનો સુંદર ચિતાર આપ્યો છે. એ વિરોધી ગુણોમાં પણ વિધાતાએ કેવો દિવ્ય પ્રણય ભર્યો છે? કવિએ મુગ્ધ નવદંપતીનું રિસાવું, મનાવવું, લડવું, ખીજાવું, રિઝાવું વગેરે પળોને સરસ રીતે કાવ્યોમાં ઢાળી છે. બે જુદી જુદી દિશામાં વહેતી સરિતાનો કોઈ સ્થળે સંગમ થાય ત્યારે – પાણી સામસામે અથડાય ત્યારે, કેવાં દૃશ્યો સર્જાય તેનું પ્રત્યક્ષીકરણ જુઓઃ

‘જલો ભેગાં થાતાં, પ્રબલતમ આઘાત કરતાં,
કહીં સામાસામાં ફરી ઘૂમરીમાં પાત્ર ખણતાં,
કહીં સામાસામાં અથડઈ મહાઘોષ કરતાં
ઉડાડે ફીણો ને કહીં વળી મહામોજ રચતાં,
કહીં વેગે દોડી પરસપર કાંઠાય ઘસતાં,
પરંતુ અંતે તો,
એભેદ નિજનો કરી, ગહન ને વિશાળાં બની,’

પછી તો એ ઘોડાપૂર ક્યાંય થંભે જ નહીં. દામ્પત્યજીવનની ક્ષણો ‘બીજરેખા’, ‘એક સંધ્યા’, ‘મંગલત્રિકોણ’, ‘અભેદ’, ‘ઉમા-મહેશ્વર’, ‘જતો તો સુવા ત્યાં’, જેવાં કાવ્યોમાં સરસ રીતે કાવ્યબદ્ધ થઈ છે. પતિ-પત્ની વચ્ચેના મીઠા સંવાદો, પ્રસન્નતા, નોક-ઝોક વગેરે વિરલ સંવાદોરૂપે કાવ્યમાં નિરૂપિત થઈ છે. કાવ્યમાં આવતાં ભાવમય સંવાદો તેમજ નાટ્યાત્મકતા આ કવિની નોંધપાત્ર વિશેષતા અને સિદ્ધિ છે. ઉપરાંત એમના કાવ્યોમાંની ચિત્રાત્મકતા-દૃશ્યાત્મકતા ધ્યાન ખેંચે છે, પ્રકૃતિના આલંબન સાથે ભાવોર્મિ પણ વ્યક્ત થાય છે. જુઓ – ‘એક સન્ધ્યા’:

`સામાન્ય આરો તજી' મેં કહ્યું : `સખી!
આજે જિંયેં ઉપરવાસ ઊતરી.'
`પાણી હશે ઝાઝું ઊંડું ખરું ત્યાં?
તેનું કંઈ ન્હૈં, પણ.' બેઉ ચાલ્યાં.

નદીના કિનારે વસ્ત્રો સંકોરી, સખીએ નાયકનો હાથ ઝાલ્યો, બન્ને ચાલી નીકળ્યાં. એ પછીની ક્ષણો – પાણી ઘૂંટણભર આવતાં સખીએ સાડી સંકેલી એટલે નાયક કહે છેઃ

‘મારે ખભે મૂક,’ ’ખભે તમારે?’

કવિની કલ્પના જુઓઃ

‘હં આં! હું ય કાં ન બનું અર્ધનારીશ્વર!’

અનંત વરેતા વારિમાં બન્ને એકબીજાને દોરતાં ચાલ્યાં જાય છે. તટ આવતાં કવિ શિલ્પની મૂર્તિ-સમાન પત્નીનું મોહક દર્શન કરે છે ત્યાં જ પત્ની સહજ રીતે જ કહે છેઃ

‘આપો હવે દઈ દો, મારો સાળુ, ન આવશે નિકટ.’

એ પછી કવિએ શું કર્યુંઃ

ખભેથી લૈ ઉકેલી મેં, ઓઢાડ્યો ત્યાં સરિત્તટ,
ઓઢાડે જેમ આકાશ પૃથ્વીને રજનીપટ!

સહજ સંવાદો, ભાવોર્મિ અને ચિત્રો સરસ રીતે કાવ્યમાં કંડારાઈ જાય છે.

‘મંગલત્રિકોણ’માં નવજાત શિશુના આગમન પછી રચાયેલ મંગલત્રિકોણની હૃદયાનુભૂતિ કેવી ચિત્રાત્મક રીતે નિરૂપી છેઃ

ઉન્નત ને ભરેલા
મેઘો ચડે સામસામી દિશાથી,
ચડી, મળી મધ્યનભે, લળીને,
પૃથ્વી પરે અનરાધાર વર્ષે,
તેવાં અમે સામસામેથી ઝૂક્યાં
શિશુ પરે, ને વરષ્યાં સહસ્ર
ધારો થકી અંતર કેરું હેત.
જેવા ધરાથી થઈ પુષ્ટ મેઘ
વર્ષે ધરા ઉપર મેઘ પાછા,
તેવાં અમે તૃપ્ત થતાં જ વર્ષ્યાં
ને વર્ષીને તૃપ્ત થયાં ફરીથી!
ને ત્યાં અમો બેઉ અને શિશુનો
બની રહ્યો મંગલ એ ત્રિકોણ!

મંગલ ત્રિકોણની આ કલ્પના ગુજરાતી કાવ્યસાહિત્યમાં અજોડ છે. દામ્પત્યજીવનના કાવ્યોમાં, જીવનની પ્રસન્નતા, સ્નેહ, આનંદનું નિરૂપણ છે તો તેમાં વિનોદ અને હાસ્ય પણ છે.

‘સખિ તારો–’માં જુઓઃ

‘સખિ તારો વાંકો અંબોડો કેમ વાંકો સેંથલિયો?
વાંકી વેણી ને મહીં વાંકો કેવડિયો
વાંકો ઠમકો ને દેહબંધે વાંકડિયો?

એથી આગળ જઈને આ કાવ્યમાં કવિ ‘મારે વાંકો નાવલિયો!’ કરી હાસ્ય વિનોદની પરાકાષ્ઠા સર્જે છે. કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ લખે છેઃ ‘...દામ્પત્ય સંબંધના કાવ્યોમાં હાસ્યના વિવિધ પ્રકારો દ્વારા જીવનની પ્રસન્નતાનું સ્નેહની આનંદદાયકતાનું આકર્ષક નિરૂપણ થયું છે તેમના હાસ્યની પાછળ જીવનની ઊંડી સમજણ, દુનિયાદારીનું બારીક અવલોકન તથા કરુણાસભર શુભનિષ્ઠા રહેલા જણાય છે. તેમનામાં ગાંભીર્ય સાથે જ રમતિયાળપણાનું અનોખું મિશ્રણ જોવા મળે છે અને તેથી તેમના હાસ્યમાં વિલક્ષણ પરિપ્રેક્ષ્યનુંયે નિર્માણ થાય છે.’ ‘શેષ’ની કવિતામાં કઈ કઈ રીતે વ્યંગ-વિનોદ-હાસ્ય નિષ્પન્ન થાય છે તે ‘પાઠકની છીંકે’, ‘થાક્યા આવડું બૈરીથી?’ – ‘કોઈ કહેશો?’, ‘એક રાજપુત ટેકના મધ્યકાલીન દુહા’, ‘માંદગીને’ વગેરે કાવ્યોમાં જોઈ શકાય છે. એમાં નિરૂપાયેલ રમતિયાળપણું – જેને શ્રી નગીનદાસ પારેખ ‘પક્કાઈ રસ’ કહે છે. ખૂબ ઓછા સમયગાળામાં પણ ભર્યું ભર્યું દામ્પત્યજીવન જીવનારા આ કવિ એકલતાની વેદના જાણે છે. આ જ રીતે લગ્નજીવનની વિશેષતા, મધુરતા પણ જાણે છે એટલે જ એમની પાસેથી ‘લગ્ન, એક કારમી કહાણી’ જેવાં કાવ્યો મળ્યાં છે તેઓ વ્યથિત થયા છે પરંતુ શ્રદ્ધા ગુમાવી નથી. ‘શેષે’ તેમની કવિતામાં વિવિધ પ્રકૃતિ-તત્ત્વોનો વિનિયોગ કર્યો છે. જેનાથી ગુજરાતી પ્રકૃતિ કવિતા સમૃદ્ધ બની છે. પ્રકૃતિ કવિતામાં માનવભાવોનું નિરૂપણ ધ્યાન ખેંચે છે. જેમકે, ‘ઉદધિનેે’, ‘સિંધુનું આમંત્રણ’, ‘ડુંગરની કોરે’ વગેરે. ‘અભેદ’ પણ માનવભાવોને નિરૂપિત કરતું સુંદર પ્રકૃતિ કાવ્ય છે.

સામાજિક વિષમતા પણ ‘શેષ’ની નજરમાંથી બાકાત રહી નથી. જુઓ ‘વૈશાખનો બપોર’. તો ‘સેન્ટ્રલ સ્ટેશને’ એક દરિદ્રનારાયણનું ચિત્ર – બાળકને જુએ છે અને કવિ લખે છેઃ

‘અને અમારી મળી દૃષ્ટ દૃષ્ટ!’

ત્યાં બાળક હસ્યો – હાસ્ય – કેવું? –

‘મોં માત્રથી – ગાલથી આંખથી ના –
હાથો પગો છાતી શરીર સર્વથી!’

કુદી કુદીને હસતો બાળક માતાને હલબલાવી દે છે. એ જોઈને કવિ હસી પડે છે. ત્યારે કવિ કહે છેઃ

‘અમારું દંત વિહોણું હાસ્ય!’

આમ ‘શેષ’ના કાવ્યોમાં કરુણતા અને હાસ્ય બન્ને એકસાથે ધબકે-ઝબકે છે.

રામનારાયણ પાઠકના પ્રાર્થનાકાવ્યો ગુજરાતી કવિતામાં વિશેષ સ્થાન ધરાવે છે. ‘નાદબ્રહ્મસ્તુતિ’માં કવિ ‘આદિનાથ’ને આમંત્રે છે, અને એ પણ કેવી રીતે –

‘સિન્ધુઘોષ સહ આપો’

જેથી બીજો કોઈ દુન્યવી અવાજ ન સંભળાય. કવિ સૌને માટે પ્રાર્થના કરે છે તેમાં જિંદાદિલી અને નિષ્ઠા પ્રગટ થાય છે. ‘પ્રભુ જીવન દે’માં કવિ કહે છેઃ

હસી મૃત્યુમુખે ધસવાનું જ દે,
ધસી મૃત્યુમુખે હસવાનું જ દે,
જીવવા નહિ તો
મરવા કોઈ ભવ્ય પ્રસંગ તું દે!
ઘડી એ બસ એટલું યૌવન દે;
પ્રભુ, યૌવન દે, નવયૌવન દે!

હસતા હસતા મૃત્યુ ઇચ્છનાર કવિ ઈશ્વર પાસે જીવન માંગે છે, એ જીવનમાં યૌવન-નવયૌવન માંગે છે, ચેતન માંગે છે, નવચેતન માંગે છે. આ કવિ આત્મવિકાસ માટે પણ જાગ્રત છે. ‘આતમરામ’માં આ ફેરો ખાલી ન જાય તેની ચિંતા વ્યક્ત થાય છેઃ

હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજું ન ભરતી કે આ તે આવે છે તૂફાન!

જ્યારે જીવનનો અંત સમય હોય ત્યારે પિતા પુત્રની સંભાળ લે એમ પ્રભુને પોતાની સંભાળ લેવા કહે છે. જુઓ, ‘જ્યારે આ આયખું ખૂટે’માં –

જેવી રીતે બાપ ખંખેરી ધૂળ
બાળકના શીશને સૂંઘે,
થાકેલું બાપને ખભે ડોક
નાખી નિરાંતે ઊંઘે;
તેમ ખંખેરી લેજે,
મને તું તેડી લેજે;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.

તો ‘પ્રભુજી’ કાવ્યઃ

અંગ સકલ મુજ વિકલ ભયે પ્રભુ!
કિસ બિધ નમન કરું?

જેવી વ્રજશૈલીની રચના પણ ‘શેષ’ પાસેથી મળી છે. એ તાર સુન્દરમ્‌માં આગળ વિસ્તરે છે. આ ઉપરાંત આ કવિ પાસેથી ‘રાણકદેવી’, ‘બુદ્ધનું નિર્માણ’, ‘તુકારામનું સ્વર્ગારોહણ’ જેવાં ખંડકાવ્યો પણ મળ્યાં છે. આમ કવિ રામનારાયણ પાઠકે દુહા, સોરઠા, ગરબા, ભજનો, ગીતો, મુક્તકો, સૉનેટ અને ખંડકાવ્યો જેવાં કાવ્યપ્રકારોમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે. એ જ રીતે તેમણે લોકગીતના વિવિધ લય-ઢાળથી શરૂ કરીને, વિવિધ છંદો – પૃથ્વી, મિશ્રોપજાતિ, શિખરિણી, અનુષ્ટુપ, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાન્તાનો પણ સફળ વિનિયોગ કર્યો છે. કવિશ્રી ચંદ્રકાન્ત શેઠે નોંધ્યું છેઃ ‘ગુજરાતી ઊર્મિ કવિતાના ભાવિવિકાસના સંદર્ભમાંયે રામનારાયણ પાઠક – ‘શેષ’નું જે કંઈ કવિતાપ્રદાન છે તે કેટલીક રીતે દિશાસૂચક ને પ્રોત્સાહક છે. આમ તો કવિતામાં વિનીત એવા ‘શેષ’ ગુજરાતી કવિતામાં ‘વિશેષ’ – રૂપેય પ્રતિષ્ઠિત છે જ અને આ પ્રતીતિ આજની તો છે જ, આવતી કાલની પણ રહેશે જ.’

– ઊર્મિલા ઠાકર