કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૫૧. મંગલાષ્ટક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૧. મંગલાષ્ટક
(શાર્દૂલવિક્રીડિત)

આદિમાં તિમિરો મહીં તિમિર ઢંકાયું હતું સર્વતઃ,
એકાકી ન ગમ્યું, ‘બહુ થઈ અને પ્રાદુર્ભવું’, વૃત્તિ થૈ,
આલંબી નિજ શક્તિને તહીં રચ્યું બ્રહ્માંડ વૈવિધ્યથી,
તે, ચિત્‌શક્તિસમેત, આ યુગલનું कुर्यात् सदा मंगलम् ।
વિશ્વે જે જડચિત્સ્વરૂપ વિલસે, ને આ ગ્રહોપગ્રહો,
ધારે સૌ સહુની ગતિ મહીં, અને જે દ્વૈતમાં રાચતાં,
જેને દંપતીઓ તણી કવિજને આદ્યા કહી બેલડી,
તેવાં આ પ્રકૃતિ અને પુરુષ તે નિત્યે કરો મંગલ.
દૂરે ના પલકે રહે, પૃથિવીને ધારે દિશા સર્વથી,
દેખાડે નવ નવ્ય તારકખચ્યો ખેંચ્યો રૂડો ચંદ્રવો,
ને તેને અવકાશ દે ઋતુતણાં સૌંદર્ય ઉદ્ભેદવા,
તેવાં દ્યૌપૃથિવી નવા યુગલનું નિત્યે કરો મંગલ.
રાજામાં સહુથી વડો બુધજને જે મેઘરાજા કહ્યો,
જે વર્ષી પૃથિવી કરે ફલવતી ને શસ્યથી શ્યામલા,
વિશ્વે જે ફરતો ધરી નિજ સખી વિદ્યુત્ સદા અંકમાં,
તે વિદ્યુત્‌સહ મેઘ આ યુગલનું कुर्यात् सदा मंगलम् ।
શય્યા શેષ સહસ્રફેણની કરી પોઢ્યા મહાસાગરે,
વ્યાપી વિશ્વ મહીં સદાય કરતા નિર્વાહ જે વિશ્વનો,
લક્ષ્મી સાથ વિરાજતા, બની સખા જિતાડતા પાર્થને,
તે લક્ષ્મીસહ વિષ્ણુ આ યુગલનું कुर्यात् सदा मंगलम् ।
એકાંતે સ્થિત ગૌરી સાથ પણ છે જે લીન યોગે સદા,
સ્વામી જેહ કુબેરનો પણ ધરે ભસ્માદિનાં ભૂષણો,
શંકર્તા પણ રુદ્ર, ને સકલ જે વિદ્યાકલાનો ગુરુ,
તે શ્રી સાંબ મહેશ આ યુગલનું कुर्यात् सदा मंगलम् ।
ઐશ્વર્ય ત્યજી વાસ કીધ વનમાં, ત્યાંથી હરી રાવણે
કીધાં ક્રૌંચ સમાં વિયોગવિધુરાં, શત્રુ હણી જ્યાં જરા
રાજ્યે શાન્ત વસ્યાં, તહીં વિકટ શાસ્તાધર્મને પાળતાં,
સ્વીકાર્યો ફરીને વિયોગ અવધિહીણો અને દારુણ,
કિન્તુ એ સુખદુઃખમાં અનુભવ્યું અદ્વૈત સત્પ્રેમનું,
તે સીતાસહ રામ આ યુગલનું कुर्यात् सदा मंगलम् ।
આર્યોએ જગ જોઈ, શ્રેય સમજી વ્યષ્ટિસમષ્ટિ તણું,
સાંધ્યા આશ્રમ સર્વ આ સરસ આહ્લાદી ગૃહસ્થાશ્રમે,
તેમાં આજ પ્રવેશતા યુગલનું, એ આર્યનાં આચર્યાં,
બોધ્યાં, સુંદર નીતિધર્મ કરજો સંસારમાં મંગલ.

(વિશેષ કાવ્યો, પૃ. ૬૮-૬૯)