કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૩૦.મિસ જૂલિયટીનું પ્રણયગીત


૩૦.મિસ જૂલિયટીનું પ્રણયગીત

રાવજી પટેલ

(હો રાજ રે હું તો તળાવપાણી ગૈતી – એ ઢાળમાં ગાવા માટે)


મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં !
કાળજકૂણા કાંટા વાગ્યા...

મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી – તીતીઘોડે પાડી તાલી,
કાળજકૂણા કાંટા વાગ્યા...

મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા –
કળજકૂણા કાંટા વાગ્યા...

મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો,
કાળજ કાંટા અમને વાગ્યા...

મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો,
પોપટ-પેટ કપાવી લાવો – નાજુક પાની પર બંધાવો,
કાળજકૂણા કાંટા વાગ્યા...

મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી – ઓય મા પાંપણથી પંપાળી.
કાળજકાંટા અમને વાગ્યાં...

મારા રળજી રે અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં – અમને કાળજ કાંટા વાગ્યા.
(અંગત, પૃ. ૪૯)