કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૪૧.ચણોઠી-રક્ત અને ગોકળગાય


૪૧.ચણોઠી-રક્ત અને ગોકળગાય

રાવજી પટેલ

મિલની વ્હિસલે મને ઝબકાવ્યો
ઝબકાવ્યો એવો જ
જૂની કોક ચોમાસાની રાતની
સુગંધ મારી ચોતરફ ફરી વળી.
આસપાસ અગાશીથી સ્હેજ ઊંચે
ઊંચા થઈ અડી શકું
એમ ઊતર્યા આ તારા.
કવિતા લખી’તી એના સ્મરણલયને પથ સરી ગયો.
ખેતરના વાયુ સમો ઊગેલાં ઊંડાણો પર ફરી વળ્યો !
હાથ અગાશીની ઠંડકમાં ભળી જતા,
પગની પાનીને કશી વાત કરે
દાદીમાના સાલ્લાની ગોદડી
ને
કાન જતા હાંફતા તારાઓ ભણી.
અગાશીનાં ઊંઘનારાં નાકમાંથી
ભીનીભદ માટીને ઉખેડનારાં હળ
મારું દુઃખ રહ્યાં ખેડી.
જીર્ણ બીડ નર્યાં ધસી આવ્યાં.
ક્ હોવાએલાં પાંદડાંની વાસથી ભરેલાં નર્યાં બીડ
મધરાત વીંધી આવ્યાં;
એ જ વાસને સમેટી સૂતો સંયુક્તાનો સ્વામી;
સમયના ટકોરાને ધૂળ બાઝી,
ભીંત પર મૃત કાચબાની
પીઠ જેવાં બખ્તર
હવાથી ઘસાયા કરે...
પાયદળમાં ઠોકાતા નળા સમયના
ચારેકોર.
ક્ હોવાએલાં પાંદડાંની વાસનો વિલાસ
હવેલીને બાઝી ગયો,
ઘાસ જેવી તલવારો
અધઊડી ઊંઘમાં વીંઝાય...
હાય આનાથી તો કવિતા ન લખી હોત તોય સારું
ને
તરત જ
જલની જેમ રેલાતો હું
દાદીમાની વારતા પાસે પહોંચી ગયો.
સ્વપ્ન સરકી
પોચી પોચી રાજકુમારી
વારતાની વય જેવી
ઓસરીમાં ઓકળી પર ચણોઠીની જેમ
ચોંટી ગઈ છે.
હજીય
ઊંઘની અગાશી પર રહ્યો રહ્યો
શૈશવના મેઘ જેવો વરસી પડું છું ચણોઠી પર.
ચણોઠી જડેલો મારો ભૂતકાળ
હજીય
મારા શબ્દમાં આળસ ભરે.
પથારી પર હજીય ઊડી આવે છે – આળોટે છે
સંયુક્તા, મારો નિદ્રાદેશ ઢંઢોળતી –
ગામભાગોળે મારી સાથે ખેલતી હતી તે તરલતા.
કેવળ રોમાંચ થઈને ક્યારેક આવે છે;
તે ક્યાં ?
ખેતરવાટ પર દાદાને ખભે બેસીને
આત્મીય આમ્રઘટાઓને જોતો હતો
તોય
તોય
જાણે ધરાતો જ ન’તો.
સ્હેજ દાદા ઊંચા વધે કે એમનો
ખભો અચાનક અશ્વ બને તો
ખેતરનો મોલ પણ જોઈ લેત.
દાદાના – ઘઉંના ખેતર જેવા – ચહેરાને
લળી લળીને પૂછેલું :
‘ચાસ પજોવા છે ખેતરના’
લીલીછમ લીટીઓ ભરેલી ખેતરની કવિતાને
હું ક્યારે ઝાલીશ ?

અગાશી પર ક્યારેક ક્યારેક
એ બાળકોની આંખોએ
હાંફતા તારાઓ વચ્ચે
રૉકેટનો પ્રલંબ ધૂમચાસ જોયો છે.

અગાશી પર એક પેઢી
આમતેમ આમતેમ મિલની વ્હિસલો ઓઢીને ઘોરે છે.
પોતાનાં બાળકોની તમા વગર ભૂંડણની જેમ ઘોરે છે.
આવતી કાલે
સડક પર ભેટી જાય તોય એની
એન. સી. સી. ડિવિઝન જેવી ત્વચાનો સ્પર્શ પણ
નયા પૈસાની ધાર જેવો બુઠ્ઠો.
શબ્દના અવાજ એને નહીં અડે;
એના કાનમાં લંકાના કિલ્લા અડીખમ ઊભા છે !
અને
આ ઊંઘણશી ભૂંડણ તો
દિવસે પણ થિયેટરો બાંધીને
અંધારું બનાવે છે.
રજિસ્ટરોની લીટીઓમાં,
ફાઇલોની બેવડમાં – દબાએલા આંકડાની ઊધઈ
એને કોરે છે.
તોય એનું રૂંવાડું સરખું ફરકતું નથી.
બિચારી
અનુભૂતિનાં તીરને ઘોંચી ઘોંચીને જીવતી
રહેલી સ્ટેનો પેઢી...
સડકની ધાર પર ક્યાંક ઊગી ગએલો
ફણગો એને ગંદો લાગે છે !
હત્તેરી ! આનાથી તો કવિતા ન લખી હોત તોય સારું.
દાદીમાની વારતાને ધાવીને
હું પથારીમાં પડખાઉં
પડખામાં ઊગી ઊઠ્યાં ઘઉંના ખેતર.
આમ્રછાયા લઈ મોર મારી કીકીમાંથી બેઠો થાય.
ઘઉંના કણસલાનું નાક અતિ સંવેદનશીલ
ઋજુ રેષાઓને ઊંચી કરી
હચમચ
હલાવી નાખે છે પંડ,
મારા રૂંવાડામાં ભૂતકાળ ડહોળાતો !
તળાવની પાળ જેવો તૂટી જાય અંધારાનો ખંડ.
તરફડ્યા કરે મૃત દાદીમાનાં વર્ષ મારામાં
ને
મારા હાથમાં અગાશી હવે ઊંચાઈઓ
આંબતી જ જાય.
અગાશી –
સ્કૂલ કૉલેજની
દ્વારિકાના બીડમાં ઊગેલાં ફળાં ફરી ઊગે...!
અગાશીના તિમિરમાં
બેઠો બેઠો ભાળું :
મારા વડવાઓ ખરીદે છે બળદની જોડ.
ખેડી ખેડી થાકી ગયા – ચાસમાં ઓરાઈ ગયા
વડવાઓ.
હાયવલૂરામાં ઊંઘી ગયા.
માંહ્યોમાંહ્ય બીડનાં ઊગેલાં હળ
ટીચી ટીચી મરી ગયા.
બ્રિજ બાંધી બાંધી
વાડ જેવાં ચારેકોર પથરાયાં લોક.
રોજ રોજ
અગાશીમાં નમેલી શાખાઓ પર
લીંબોળીઓ રમાડતો સોનાનો સૂરજ.
ભોંયતળિયે
કરોળિયાઓ હરેફરે ન્યૂઝના...
અગાશીમાં ઊગેલો ઊગે છે ફરી ચિંતાઓમાં.
ટાઢીબોળ રાત્રિનો વિલાસ
બોદું બોદું હસે.
ફરી પાછો –
નગરના પથ પર ટેલિગ્રાફી અવાજોનો હાયવારો !
ફરી પાછું –
કાગળમાં રેખવાય માણસનું ભાવિ...
ફરી પાછી –
થોરિયાની વાડ સાટે કાપાકાપ...
ફરી પાછાં –
કારખાનાં ઇન્સ્યૂલિન પેદા કરે...
મહાનગરીના ગળચિયા જેવી લિફ્ટ
ઊંચી-નીચી થાય;
વર્તમાન ઊછરતો લાગે એ જ ખવાતો જ જાય.
ને
આ બધા હાયવલૂરાથી
ઝબકીને જાગી ગયેલા મારા વડવાઓની
બે આંખોમાંથી
દૃગ્ધ કૃષિકવિ પર
વરસી પડે છે ગોકળગાયો !
(અંગત, પૃ. ૧૦૧-૧૦૬)