કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૪.હું એને જગાડું છું


૧૪.હું એને જગાડું છું

લાભશંકર ઠાકર

હું
દરિયાના જળરાશિમાં
હલબલતો વિસ્તાર.
પવનની ગલીપચીનાં
ગતિશીલ શિલ્પોને
મેં નકાર્યાં નથી.
ને
ચંદ્રના શીતલ લેપોથી
આકાશને પલાળી નાખ્યું છે.
ટેકરીઓની
ઉત્ફુલ્લ છાતીની છાયાઓથી
ટકરાયો છું
ને પર્વતની
પ્રલંબ કાયાઓ સાથે
મૈથુનમગ્ન બન્યો છું.
કાંઠા-ખડક પર
જાળ નાખી,
ઈશ્વર ઊંઘી ગયો છે;
હું
એને જગાડું છું.
(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. ૨૩)