કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨. કોક તો જાગે!

From Ekatra Wiki
Revision as of 11:36, 18 July 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૨. કોક તો જાગે!


આપણામાંથી કોક તો જાગે—
કોક તો જાગે!
કોક તો જાગે આપણામાંથી!
હાય જમાને
આમ [1] ફજેતી ઢીંચતાં ઢીંચી,
ઘેનસમંદર ઘૂઘવે—
એનાં ઘોર ઊંડાણો
કોક તો તાગે—
આપણામાંથી કોક તો જાગે!
હાય જમાને
ઝેરને પીધાં, વેરને પીધાં,
આધીનનાં અંધેરને પીધાં,
કૈંક કડાયાં કેરનાં પીધાં—
આજ જમાનો અંતરાશે
એક ઘૂંટડો માગે—
સાચ-ખમીરનો ઘૂંટડો માગેઃ
આપણામાંથી કોક તો જાગે!
બાપદાદાની બાંધેલ ડેલી,
એક ફળીબંધ હોય હવેલી,
ગામની ચંત્યા ગોંદરે મેલી,
એ...ય નિરાંતે લીમડા હેઠે
ઢોલિયા ઢાળી—
સહુ સૂતાં હોય એમ કાં લાગે?
આપણામાંથી કોક તો જાગે!
સોડ તાણી સહુ આપણે સૂતાં,
આપ ઓશીકે આપણાં જૂતાં,
ઘોર અંધારાં આભથી ચૂતાં—
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે
આપણામાંથી કોક તો જાગે!
આમથી આવે ક્રોડ કોલાહલ,
તેમથી વ્હેતાં લોહી છલોછલ,
તો ય ઊભાં જે માનવી મોસલ—
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં લમણાંમાં
મર લાઠિયું વાગે!
આપણામાંથી કોક તો જાગે!
એક દિ’ એવી સાંજ પડી’તી,
લોક-કલેજે ઝાંઝ ચડી’તી,
શબ જેવી વચમાં જ પડી’તી—
એ જ ગુલામી,
એ જ ગોઝારી,
મૂરછા છાંડી મ્હોરવા માગેઃ
આપણામાંથી કોક તો જાગે!
કોઈ જાગે કે કોઈ ના જાગે,
કોઈ શું જાગે?
તું જ જાગ્યો તો તું જ જા આગે—
આપણામાંથી તું જ જા આગે...!
(સિંજારવ, પૃ. ૨૯-૩૦)




  1. જાતિવાચક શબ્દ બદલ્યો છે.