કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૪૬. રાતો રંગ

Revision as of 09:04, 19 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૬. રાતો રંગ|}} <poem> રાતી રાતી પારેવાંની આંખડી ઝમકારા લાલ ચ-ટ-...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૬. રાતો રંગ


રાતી રાતી પારેવાંની આંખડી
ઝમકારા લાલ
ચ-ટ-ક ચણોઠી રાતીચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો જી રાતો.
લાલ રતન પૂરવમાં વેર્યાં,
સુરખી અદ્ભુત ઊંડી રે,
આથમણી મનમોજી રંગત
છલકે તાંબાકૂંડી રે;
ઝમકારા લાલ!
નયણાં નભને ઝીલે જોડાજોડઃ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો જી રાતો.
અત્તરની ફોરમ મેંદીના
અંતરમાં મતવાલી રે,
લીલો રંગ લપાવી બેઠો
લાજશરમની લાલી રે;
ઝમકારા લાલ!
મંનડું મેંદીનો ઝીણો છોડઃ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો જી રાતો.
દહાડો આખો જીવ જલ્યો ને
રાતી જ્વાલા વેઠી રે,
મનભાંગેલી રાત કસૂંબો
ગટગટ પીને બેઠી રે
ઝમકારા લાલ!
સાચાંખોટાં સોણલાંની સોડઃ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો જી રાતો.
(આચમન, પૃ. ૧૫)