કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૨૬. મરશે નહિ

૨૬. મરશે નહિ


હેમ સો ટચનું હશે પણ યોગ્ય એ ઠરશે નહીં:
જ્યાં લગી ખુદ પથ્થરોથી પાર ઊતરશે નહીં.

લાખ પટકે શિર કિનારા! લાખ પોકારે વમળ!
નાવ મુજ ખાલી થયા વિણ ક્યાંય લાંગરશે નહીં.

પ્રાણ રેડો પ્રાણ! ઓ જડવાદીઓ! નિજ કાર્યમાં,
લાશને તો ધરતી-પટ પર કોઈ સંઘરશે નહીં.

બુદબુદોને જો વિકસવું હો તો વિકસે મોજથી,
મોતીઓ એમાં રુકાવટ કોઈ દી કરશે નહીં.

પથ્થરો કરતા રહે મનફાવતી રીતે પ્રહાર!
ફૂલના અંતરથી ચિન્ગારી કદી ઝરશે નહીં.

ખારની વાતો અને દિલ! માફ કર દુનિયા મને,
ફૂલ-ચાહક, ફૂલ-દાની ફૂલ વિણ ભરશે નહીં.

ગોઠવે માયા ભલે સામે પ્રપંચી મોરચો!
સત્ય જેનો સારથી છે એ કદી ડરશે નહીં.

માત્ર ઉલ્કાને જ એ ભીતિ રહે છે રાતદિન,
જે હકીકતમાં સિતારા છે કદી ખરશે નહીં.

ઓ તિમિર-પ્રેમી! ગજું શું તારી પામર ફૂંકનું?
રત્નના દીવા સ્વયં ઝંઝાથી પણ ઠરશે નહીં.

મોતને કહી દો ન મૂકે હોડમાં નિજ આબરૂ,
શૂન્ય છે એ કોઈનો માર્યો કદી મરશે નહીં.

(શૂન્યનો વૈભવ, પૃ. ૨૮૯)