કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૧. જીવું છું

૩૧. જીવું છું


સહર્ષ ઝીલી સમયના પ્રહાર, જીવું છું!
કરું છું જિંદાદિલીનો પ્રચાર, જીવું છું!

દીપક છે દૂર છતાં હૂંફ મેળવી લઉં છું;
કરીને કોઈનો મનમાં વિચાર, જીવું છું!

નથી જરૂર અવરના ઇલાજની મુજને,
જિજીવિષાની લઈ સારવાર, જીવું છું!

સ્વયં બળું છું પરંતુ પ્રકાશ વેરું છું,
જ્વલંત રાખીને જીવનનો સાર, જીવું છું!

વણું છું આશને કૈં એમ જીવતર સાથે,
હરેક સાંજને સમજી સવાર, જીવું છું!

ચહું છું એમ કે સંસાર હેમખેમ રહે!
દબાવી ઉર મહીં મૂંગી પુકાર, જીવું છું!

મરણને મસ્ત નિહાળી વિજયની ભ્રમણામાં;
કહે છે શૂન્ય હસીને ધરાર, જીવું છું!

(શૂન્યનો વૈભવ, પૃ. ૩૨૦)