કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૪. સવાયો છું

૪૪. સવાયો છું


ભક્તિના મોહમાં ફસાયો છં,
એટલે ગોખમાં ચણાયો છું.

શસ્ત્ર ક્યાં કોઈ પ્રાણઘાતક છે?
હું જ હાથે કરી હણાયો છું.

માત્ર એક ઈંટનો જ દાવો છે,
દોસ્ત! મેં ક્યાં કહ્યું કે ‘પાયો છું’?

શબ્દની અર્થહીન સભાઓમાં,
એમ લાગે છે હું પરાયો છું.

કોણ મૃગલું? ને મૃગજળો કેવાં?
રણ ઠગાયું કે હું ઠગાયો છું.

શૂન્ય હું કાંઈ પણ નથી જ્યારે,
કઈ રીતે કહી શકું, સવાયો છું?

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૨૭)