કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૧. સાંભરી આવું તો…


૨૧. સાંભરી આવું તો…

જો ક્યારેક હું સાંભરી જાઉં;
તો પંખીડાંને ચણ પૂરજો,
એકાદ વૃક્ષને પાણી પાજો,
ઠાકર-દુવારે દર્શન કરજો
ને ઝાલરનો રણકો મધમીઠો રેલાવી દેજો હવામાં.

છોકરાંઓને ભાગ વહેંચજો,
ગાવડીની ડોક પંપાળજો ને ગલૂડિયાં રમાડજો.
એકાદ સુકાતી નદીને તીરે બેસી
ઢળતી સાંજ ને ડૂબતો સૂરજ નિહાળી લેજો ઘડીક…
જો ક્યારેક હું સાંભરી આવું તો.

૨૬-૨-૭૨
(જળમાં લખવાં નામ, પૃ. ૯૨)