કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪૮. ઢાળ મળે તો ધોડું


૪૮. ઢાળ મળે તો ધોડું

હરિવર, ઢાળ મળે તો ધોડું
બેઠાં બેઠાં થાક ચડે છે
હાલ્યાના નહિ હોશ;
મંછા એવી મોટી
મારે જાવાં સો સો કોશ,
એક વખત જો દિયો પુગાડી
ખૂંટો મારો ખોડું!
હરિવર, ઢાળ મળે તો ધોડું.
પડકારા આવી પડશે તો
ઢાંકી દેશું કાન,
થવું હોય તે થયા કરે છે
શીદને લઈને સાન?
હુંયે ડગલાં બે’ક ભરું –
જો દિયો હટાવી રોડું
હરિવર, ઢાળ મળે તો ધોડું.
ભવરણની આંટીઘૂંટીમાં
ઊભાં જુદ્ધ અપાર,
સ્હેજ જાત સંકોરી ચાલું,
ઊતરું સીધો પાર.
તેજી ઘોડી કોણ પલાણે;
ભલું ટાયડું ઘોડું,
હરિવર, ઢાળ મળે તો ધોડું.
(જળમાં લખવાં નામ, પૃ. ૨૯૬)