કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૧. ઉખાણું

૧૧. ઉખાણું

         દૂધે ધોઈ ચાંદની
                           ચાંદનીએ ધોઈ રાત,
         એવામાં જો મળે તો
                  વ્હાલમ, માંડું રે એક વાત.
અડધું પિંજર હેમમઢ્યું ને અડધું રૂપે સ્હોય,
એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.
         વાત સમજ તો વ્હાલમ,
                  ચાંદ-સૂરજની દઉં સોગાત.
વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ,
વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ.
         ભેદ સમજ તો તને વસાવું
                           કીકીમાં રળિયાત.
મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઈ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઈ;
         દાખવ તો ઓ પિયુ!
                  તને દઉં હૈયાની ઠકરાત.

૧૯૫૮

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૭-૬૮)